2791

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા સમયથી અસંખ્ય ચોરીઓના બનાવ બનવા પામ્યા છે. જેમાં ઘણી ખરી ચોરીના બનાવ પોલીસ ચોપડે ચડ્યા પણ નથી. તસ્કરોએ જાણે ખુલ્લો પટ મળ્યો હોય તેમ રોજબરોજ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. પોલીસ તંત્ર દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવા લોકમાંગ ઉઠવા પામી છે. જેમાં દરરોજ વધુ એક ચોરીની ઘટના ધ્યાન પર આવે છે. જેમાં પરિવારજનો મકાનને તાળુ મારી પ્રસંગે બહારગામ ગયા હતા તે વેળાએ તેના મકાનના તાળા-નકુચા તોડી કોઈ અજાણ્યા ઈસમો તિજોરી તેમજ કબાટમાં રાખેલા રોકડ રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છુટયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ટોપ થ્રી સર્કલ થી લીલાસર્કલ જવાના રસ્તે આવેલ શિવકૃપા સોસાયટી પ્લોટ નં.પર-ઈમાં રહેતા પ્રવિણભાઈ મકનભાઈ ધાંધલ્યા જેઓ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત તા.૧ના રોજ મકાનને તાળુ મારી પરિવાર સાથે અગિયાળી ગામે વેવિશાળનાં પ્રસંગે ગયા હતા તે વેળાએ તેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના તાળા-નકુચા તોડી તિજોરી અને લોખંડના કબાટમાંથી રોકડ રૂા.ર લાખ ર૩ હજાર અને સોના-ચાંદીના દાગીના કિ.રૂા.૧ લાખ ૩૯ હજાર મળી કુલ ૩ લાખ ૬પ હજારની મત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા. પ્રવિણભાઈ ધાંધલ્યા આજ સવારે પોતાના ઘરે પરત ફરતા ચોરી થઈ હોવાની માલુમાત થતાં તુરંત ભરતનગર પોલીસને બનાવની જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ પ્રવિણભાઈની ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ પી.આઈ. બાંભણીયા ચલાવી રહ્યાં છે.