5225

ભાવનગર શહેરની મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવમાં પાણી ભરવામાં આવ્યા પછી તળાવની સ્વચ્છતા માટે તંત્ર દ્વારા કોઈ ખેવના ન રખાતા તળાવની ફરતે ગંદા કચરો ઉભો થતા હવે આ તળાવનું પાણી દુર્ગંધ મારી રહ્યું છે. તળાવની કોઈ સારસંભાળ ન લેતા દુર્ગંધ મારતો કચરો વધતો જાય છે. આના પરિણામે તળાવ સુંદર અને રમણીય દવાખાના બદલે કિનારા પરથી ખુબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળે છે.
તળાવમાં પાણી ભરવાની કાર્યવાહી થયાને થોડો સમય આ તળાવનું ધ્યાન રખાતું હતું પરંતુ હવે તળાવ રઢીયાળ કોઈ ધણીધોરી વગરનું હોવાની લોકોમાં છાપ ઉપસી રહી છે. લોકો કિનારે ઉભા રહીને આ તળાવની આવી સ્થિતિ જોઈને તંત્રવાહકોની ટીકા કરી રહ્યાં છે. સારી ભાવનાથી આ તળાવમાં પાણી ભરવા તંત્ર વાહકોએ શરૂઆત કરેલી અને થોડો વખત માટે સાફસુફીના કામની પણ ખેવના રખાતી હતી પરંતુ હવે જેમ-જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ તળાવ ફરતો જાણે ઉકરડો ઉભો થતો હોય તેવી સ્થિતિ નિર્માણ થતી રહે છે.
મહાપાલિકાના તંત્ર વાહકો દ્વારા માત્રને માત્ર કોઈ ઉત્સવ કાર્યક્રમ વખતે આ તળાવની બાબતમાં કોઈ ધ્યાન દેતું નથી અને પરિણામે તળાવ ફરતા કચરો ભેગો થતા તળાવમાં રહેલું પાણી હવે દુર્ગંધ મારી રહ્યું છે. શહેરની મધ્યમાં આવેલા આ તળાવની જો સાર સંભાળ રાખીને તેની માવજત કરવામાં આવે તો તળાવની રોનકમાં ઘણો વધારો થાય તેમ છે પરંતુ મહાપાલિકાના તંત્ર વાહકોને આ તળાવને વિકસાવવામાં કાંઈ રસ ન હોય તેટલી હદે આ તળાવ પ્રદુષિત બની રહ્યું છે. ભાવનગરની મુલાકાત આવતા લોકો આ તળાવ જોઈને આ તળાવની વ્યવસ્થા કોણ સંભાળે છે તેવા પ્રશ્નો પણ પુછતા હોય છે. આ તળાવને નગરનું નજરાણું બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
આ તળાવ પાસેથી દિવસમાં અનેકવાર નગરસેવકો અને પદાધિકારીઓ પસાર થતા હોય છે પરંતુ તળાવની આવી કફોડી સ્થિતિ જોવા કોઈ તસ્દી લેતું નથી. આવી છે હાલમાં આ તળાવની બુરી હાલત તળાવ ફરતી સફાઈ થાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠી રહી છે.