4992

રાષ્ટ્રીય અંધજન મંડળ- ભાવનગર જિલ્લા શાખા અને રાજ્યશાખા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કૃષ્ણકુમારસિંહજી અંધઉદ્યોગ શાળાના યજમાન પદે તથા કાનન કલા કેન્દ્ર-ભાવનગરના આર્થિક સહયોગથી આજે અખિલ ગુજરાત નેત્રહિન સંગીત સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાનું ઉદ્દઘાટન મધુકરભાઈ ઉપાધ્યાયના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા બે વિભાગોમાં યોજવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થનાર બાળકોને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત નિર્ણાયકોના મંતવ્યો પ્રમાણે સ્પર્ધા દરમિયાન સુંદર અને સુસજ્જ ઉમદા પર્ફોમન્સ કરનાર સ્પર્ધકોને પણ પ્રોત્સાહિત કરવા વિશેષ પુરસ્કાર રૂપે રોકડ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સ્વાતી પાઠક, ભાવનાબેન મહેતા, પ્રણવ મહેતા અને ચિંતનભાઈ પંડયાએ ભૂમિકા ભજવી હતી.
આ પ્રસંગ સંસ્થાના માનદ મંત્રી લાભુભાઈ સોનાણીએ સ્પર્ધામાં આર્થિક સહયોગ આપનાર મહેન્દ્રભાઈ શેઠ-ગલિયા કોટવાલા પરિવાર-મુંબઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સંગીતની ઉચ્ચ સ્પર્ધા માટે તૈયાર થાય અને તેઓની આ ટેલેન્ટ વિકસાવવા યોગ્ય પ્લેટફોર્મ મળે તેવો છે. જ્યારે સંસ્થાના ટ્રસ્ટી હસમુખભાઈ ધોરડાએ રાષ્ટ્રીય અંધજન મંડળ-અમદાવાદ રાજ્યશાખાની માહિતી આપી હતી. ઉદ્દઘાટન મધુકર ઉપાધ્યાયે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ અંધશાળાના માનદ મંત્રી મહેશભાઈ પાઠકે કરેલ હતી.

You voted 'down'.