5000

મહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાના અધ્યક્ષ પદે મળેલ. આ બેઠકમાં એજન્ડા પરના ર૯ અને ૮ અધ્યક્ષ પદેથી એમ કુલ ૩૭ ઠરાવો ચર્ચા-વિચારણાના અંતે પાસ કરી દેવાયા હતા.
મળેલી બેઠકમાં કમિશ્નર મનોજ કોઠારી, સીટી એન્જિનિયર ચંદારાણા સહિત અન્ય વિભાગીય અધિકારીઓ હાજર રહ્યાં હતા. કારોબારી કમિટીમાં સભ્યોએ તંત્રમાં લોકપ્રશ્નો અંગે વેદનાભરી વ્યથા રજૂ કરી હતી. કારોબારી સભ્યોમાં દંડક રાજુભાઈ રાબડીયા, હરેશ મકવાણા, શિતલબેન પરમાર, દિવ્યાબેન વ્યાસ અને ખુદ ચેરમેન શહેરીજનોના પ્રશ્નો અંગે તંત્રને કામ ઝડપભેર કરવાની ટકોરો કરી હતી. ખાસ કરીને હરેશ મકવાણા અને નગરસેવિકાઓ દ્વારા પૂર્વ અને પશ્ચિમ ઝોનલ ઓફિસોએ બારી પરથી બીલો વગેરેના પૈસા લેવાની વ્યવસ્થા જ નથી તેવી કડવી ગંભીર ફરિયાદો થવા પામેલ. નગરસેવિકા શિતલબેન પરમારે સ્ટાફ બેઠો રહે છે. હરેશ મકવાણાએ બોક્ષ ડ્રેઈન અંગે, રોડ રસ્તાના ખાડા, એજન્સી કામ અધુરૂ છોડીને ચાલ્યો ગયો છે. લોકો આવા ખાડામાં પડે છે, આમ લોકો ત્રાહિમામ પોકારી ઉઠે તેવી ફરિયાદો છે તે ફરિયાદો ત્વરિત હલ કરો, ઝોનલ ઓફિસે પૈસા ભરવાની બારીઓ જ નથી બોલો કોને ફરિયાદો કરવી અમે ઘણી રજૂઆત કરી છે. કર્મચારીઓ ફાઈલોના નિકાલો કરવાને બદલે મોબાઈલ ફોનોમાં વ્યસ્ત હોય છે તેવી ગંભીર ફરિયાદ મકવાણાએ કરી હતી. સભ્યોની ગંભીર ફરિયાદો પ્રત્યે ખુદ ચેરમેને જણાવ્યું કે તંત્રને સાચુ કરીએ તે કોઈને ગમતું નથી તેવી વાત કરી તેમણે કહ્યું કે આટલો મોટો ખર્ચ કરીને બે ઝોનલ ઓફિસો બનાવી ત્યાં લોકોને પુરતી પ્રાથમિક સુવિધા માટેની વ્યવસ્થા ન કરી શકાય. ગમે તે હોય આપણે કોઈની પણ શેહશરમમાં આવવાનું નથી. આપણે લોકોના પ્રતિનિધિઓ છીએ લોકો તો આપણને જ કહેવાના છે. કોઈ એજન્સી કામ ન કરતી હોય તો તેને બ્લેક લીસ્ટમાં મુકી દયો. તેમણે તંત્રને એવી પણ ટકોર કરી કે બધા કામો નિયમોથી થવાના નથી. પ્રજાનું કામ છે તંત્રએ એલર્ટ બનીને કામો કરવા જોવે. તેમણે અકવાડાના કામનું શું થયું તેની ઉલટ તપાસ કરી હતી. ખુદ ચેરમેને એવી ટકોર કરી કે ઉપલા લેવલે સારી સારી વાતો થાય નીચે કાંઈ ન થાય તે ચલાવી લેવા જેવી બાબત નથી. રોડ વિભાગના મકવાણા સહિત કેટલાક અધિકારીઓએ ઉભા થયેલા પ્રશ્નોના તડને ફડ જવાનો પણ આપી દીધા હતા. જો કે એજન્ડા પરના કોઈ તુમારો બાબતમાં ચર્ચા છેડાય નોતી માત્ર લોકોના પ્રશ્નોની કારોબારી કમિટી સભ્યોએ રોષભરી હૈયાવરાળ ઠાલવી હતી. તંત્રે તેની નોંધ લીધી હતી.