7869

સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર પંજાબ નેશનલ બેંકના હજારો કરોડના કૌભાંડ કરી વિદેશ નાસી ગયેલા નિરવ મોદી અને મેહુલ ચોકસી સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે મેહુલ ચોકસીના ગીતાંજલી જવેલર્સમાં કરોડો રૂપિયા ગુમાવનાર ભાવનગર ખાતેના ગીતાંજલી જ્વેલર્સના ફ્રેન્ચાઈઝી ધારક એવા દિગ્વિજયસિંહ જાડેજાએ દોઢેક વર્ષ પૂર્વે જ મેહુલ ચોકસી દેશ છોડી ભાગી જશે તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવા હાઈકોર્ટમાં સોગંદનામા સાથે અરજી કરી હતી પરંતુ તેના પર ધ્યાન નહીં દેવાતા આખરે દિગ્વિજયસિંહ જાડેજાની દહેશત સાચી પડી હતી.
ભાવનગરમાં ગીતાંજલી જ્વેલર્સની જે-તે સમયે ફ્રેન્ચાઈઝી લેનાર દિગ્વિજયસિંહ જાડેજાના પ૦ કરોડ ઉપરાંતના નાણા ફસાયા છે. આ ઉપરાંત ગીતાંજલીની સ્કીમોમાં અનેક નાના રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા છે ત્યારે તે સમયે એટલે કે ત્રણેક વર્ષ પૂર્વે ગીતાંજલી સામે ભાવનગરના દિગ્વિજયસિંહ જાડેજાએ ફરિયાદ પણ કરી હતી.
ગીતાંજલી જ્વેલર્સ દ્વારા તેમની સાથે રૂા.૪૯.૪ર કરોડનું ચીટીંગ કર્યું છે અને તેની સ્ટેટ સીઆઈડી ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ એકમ ગાંધીનગર ઝોન પોલીસ મથકમાં ગુ.ર.નં.ર/ર૦૧પથી પોતે ફરિયાદ નોંધાવેલી છે. આમ પીએનબી કૌભાંડના સુત્રધાર એવા નિરવ મોદી અને મેહુલ ચોકસીએ ગીતાંજલી જ્વેલર્સના નામે છેતરપીંડી આચરી અને તે સમયે જ ભાવનગરના ફ્રેન્ચાઈઝી દિગ્વિજયસિંહ જાડેજાએ સોગંદનામા સાથે હાઈકોર્ટમાં મેહુલ ચોકસી વિદેશ ભાગી જવાની દહેશત વ્યક્ત કરીને તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવા અરજી કરી હતી તેના ઉપર ધ્યાન દેવાયું હોત તો હજારો કરોડનું પીએનબી કૌભાંડ ન થયું હોય તેવું મનાઈ રહ્યું છે.

સગુન સ્કીમના રોકાણકારોને નાણા પરત મળવાની આશા
ગીતાંજલી જ્વેલર્સ દ્વારા જે-તે સમયે રોકાણકારો માટે સગુન સ્કીમ બહાર પાડવામાં આવી હતી. જેમાં એક વર્ષ સુધી દર મહિને પ-પ હજાર ભર્યા બાદ ૧ વર્ષ પછી ૬પ હજારના સોનાના દાગીના આપવાની સ્કીમ હતી. જેમાં ભાવનગર શહેર અને જિલ્લા સહિત રાજ્ય અને દેશભરના અસંખ્ય લોકોએ સ્કીમમાં રોકાણ કર્યુ હતું અને તેઓના પણ નાણા ડુબ્યા હતા. તેનો પણ કેસ ચાલી રહ્યો હોય આજે ગુજરાત હાઈકોર્ટમાં ગીતાંજલી જ્વેલર્સ કેસની મુદ્દત હોય સગુન સ્કીમના નાના રોકાણકારોને જે-તે પોલીસ મથક મારફત ડોક્યુમેન્ટની ખરાઈ કરી એકત્ર કરવા અને ત્યારબાદ તપાસ કરી સ્કીમના નાના રોકાણકારોને નાણા પરત મળે તેવો હકારાત્મક અભિગમ અપનાવ્યો હોવાનું ગીતાંજલી જ્વેલર્સના ભાવનગરના ફ્રેન્ચાઈઝી દિગ્વિજયસિંહ જાડેજાએ ‘લોકસંસાર’ સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.