6214

શહેરના ચિત્રા માર્કેટ યાર્ડ સામે આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભામાં મોટીસંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. આ સભામાં મોદીએ ભાજપ સરકારના શાસનકાળમાં થયેલ દેશની પ્રગતિના લેખાજોખા રજૂ કરવા સાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
દક્ષિણ ગુજરાતના વલસાડમાં સભા સંબોધી બપોરે ર-ર૦ મિનીટે ૩ હેલીકોપ્ટરના કાફલા સાથે નારી ચોકડી પાસે લેન્ડીંગ કરી કાર મારફતે માર્કેટ યાર્ડ સામે આવેલ સ્વામિનારાયણ મંદિરના કમ્પાઉન્ડ ખાતે યોજવામાં આવેલ સભા સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રના ઉમેદવાર જીતુભાઈ વાઘાણી, પૂર્વ મતક્ષેત્રના વિભાવરીબેન દવે, ઘોઘા મત વિસ્તારના પરશોત્તમભાઈ સોલંકી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર નિમુબેન બાંભણીયા સહિતનાઓએ વડાપ્રધાનને આવકાર્યા હતા.
પ્રધાનમંત્રી મોદીને નિહાળવા તથા ભાષણ સાંભળવા માટે લોકોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો હતો. ઉમેદવારોના પ્રચાર અર્થે આવેલ મોદીએ ભાજપના તમામ અગ્રણી નેતાઓને નામજોગ સંબોધી પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી. ત્યારબાદ જણાવ્યું કે, રાજકારણમાં એકડો શિખવનારા બે વ્યક્તિઓ મારા માટે પરમ આદરણિય છે. સંઘના પૂર્વ કાર્યકર તથા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તથા ભાવનગરના હરિસિંહ ગોહિલને યાદ કર્યા હતા. આ વ્યક્તિઓએ મને રાજકારણનો એકડો શિખવ્યો છે.
આ સાથે સોમનાથ મંદિરની સુરક્ષા ખાતર પોતાના પ્રાણોનું બલિદાન દેનાર વિર હમીરસિંહ ગોહિલને યાદ કર્યા હતા. ભાવનગરના રાજવી પરિવારની સામાજીક એક્તા અંગેની કામગીરી પણ બિરદાવતા કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની અપીલથી સૌપ્રથમ રજવાડુ ભાવનગરના મહારાજાએ રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતું. એક પટેલનો દિકરો કહે અને ક્ષત્રિય રાજા પોતાનું રાજપાટ દેશને અર્પણ કરે આથી મોટી સામાજીક એકતા કઈ હોઈ શકે ? આ ઉપરાંત કોંગ્રેસના કોઈપણનું નામ લીધા વિના આકરા વાકપ્રહારો કર્યા હતા તથા રાહુલ ગાંધી પર નિશાન તાકતા જણાવ્યું કે જે માંને દિકરા પર ભરોસો ન હોય તેના પર દેશ ભરોસો કઈ રીતે કરી શકે..? કોંગ્રેસ સત્તા મેળવવા જાતિવાદનું રાજકારણ રમી દેશની સામાજિક એકતાને તોડવાનો પ્રયાસ કરી રહી છે પણ દેશની જનતા પર મને વિશ્વાસ છે.