8360

ગાંધીનગરને સમગ્ર ભારતમાં ગ્રીનસીટીનું બીરૃદ મળ્યું છે પરંતુ અહીં વિકાસની આંધળી દોડમાં ઘણા વૃક્ષો કાપવામાં આવ્યા છે તો વર્ષ ૧૯૯૧માં ચ-૩ પાસે બનેલા રાજીવ ગાંધી સ્મૃતિવન જાળવણીના અભાવે મેદાનમાં ફેરવાઇ ગયું છે.
અહીં વિવિધ જૈવિક પરિબળોને કારણે તેમજ નવરાત્રી દરમિયાન આ સ્થળે ગરબા યોજાતા હોવાથી આ સ્મૃતિવનમાં હાલની સ્થિતિએ એક પણ વૃક્ષ હયાત નહીં હોવાની કબુલાત પણ વન મંત્રીએ વિધાનસભામાં કરી હતી. 
એક બાજુ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ પણ વૃક્ષો વાવવા માટે નાગરિકોને પ્રેરીત કરે છે પરંતુ બીજીબાજુ આંધળા વિકાસને પગલે સૌથી વધુ હરિયાળા શહેરની ઉપમાથી જાણીતા ગાંધીનગર શહેરમાં પણ હવે ધીમે ધીમે વૃક્ષો ઘટતા ગયા છે.વૃક્ષોની ગીચતાની દ્રષ્ટીએ ગાંધીનગર ગ્રીનસીટી તરીકે જાણીતું હતું પરંતુ અહીં સરકાર સહિત સ્થાનિક તંત્રની બેદરકારીને પગલે આખે આખા વન મેદાનમાં ફેરવાઇ ગયા છે. 
આ અંગે ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશે આજે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો કે, ગાંધીનગર ખાતે આવેલા ચ-૩ પાસેનું રાજીવ ગાંધી સ્મૃતિવન ક્યારે ખુલ્લું મુકવામાં આળ્યું અને આ સ્મૃતિવનમાં છેલ્લા સ્થિતિએ કેટલા વૃક્ષ છે તેમજ તેની જાળવણી પાછળ સરકારે કેટલો ખર્ચ છેલ્લા બે વર્ષમાં કર્યો છે.