5822

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખામીયુક્ત વીવીપેટના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી છે. આ પિટિશનની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા હાઇકોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે,ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં કોઇ પણ ખામીયુક્ત વીવીપેટ કે ઈવીએમનો ઉપયોગ નહીં કરવામાં આવે. જ્યારે અરજદાર કોંગ્રેસ તરફથી એવી માંગ કરાઇ હતી કે,જૂના ઈવીએમમાં ચેડાં થવાની શકયતા હોવાથી તેની જગ્યાએ નવા ઈવીએમનો જ ઉપયોગ કરવામાં આવે. બંને પક્ષોની દલીલો બાદ હાઇકોર્ટની ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી ૨૨મી નવેમ્બરે મુકરર કરી છે.
આ કેસની સુનાવણી દરમિયાન ચૂંટણીપંચ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે,તેમના દ્વારા જે પ્રાથમિક તપાસ હાથ ધરાઇ છે, તેમાં ૪૦૬૬ વીવીપેટ અને ૩૦૫૦ જેટલા બેલેટ યુનિટ્‌સમાં ખામી જણાઇ આવી હતી. તેથી તેમને તાત્કાલીક રિપ્લેસ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સ્પષ્ટ થાય છે કે કોઇ ખામીયુક્ત વીવીપેટ કે અન્ય મશીનનો ઉપયોગ ચૂંટણીમાં થશે જ નહીં.