જમીન માઈનીંગ : મહુવાના નીચા કોટડા સહિત ગામો સજજડ બંધ

1981

જમીન સંપાદન મામલે સરકાર છેલ્લા કેટલાએ સમયથી ખેડૂતોને લોલીપોપ આપી રહી છે. જેને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે આજે મહુવા તેમજ તળાજાના ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના નીચાકોટડા ગામે મહુવા તથા તળાજાના 13 ગામના ખેડૂતો મોટી સંખ્યામાં આ આંદોલનમાં જોડાવા માટે પહોંચી ગયા છે. કોઇપણ સંજોગોમાં જમીન નહિ આપવાનો ખેડૂતો એ નિર્ધાર કરી લીધો છે.
કોંગ્રેસ નેતા કનુભાઈ કલસરિયા પણ ખેડૂતોના સપોર્ટ માટે નીચાકોટડા પહોંચી ગયા છે. અહીં તેમમે ખેડૂત આગેવાનો સાથે મુલાકાત કરી છે. કનુભાઈ કલસરિયાએ જણાવ્યું કે, ગાંધી ચિંધ્યા માર્ગે પોતાના હકની જમીન માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો પર અગાઉ થયેલા પોલીસ દમનને તેમણે રાક્ષસ ગણાવ્યા હતા. તેમણે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, પોલીસ પાસે આવું રાક્ષસી કામ સરકાર કરાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ખેડૂતોએ જમીન સંપાદન મામલે સરકારને ચીમકી આપી હતી કે, જો 2 દિવસમાં સરકાર નિર્ણય નહી લે તો શાળામાંથી આશરે 3 હજારથી વધુ બાળકોને ઉઠાવી લેવામાં આવશે, અને 2 દિવસ માટે બાળકો પણ શાળાએ નહીં જાય.
મહત્વનું છે કે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે જમીન સંપાદનની પ્રક્રિયાના પગલે છેલ્લા કેટલાક દિવસથી ખેડૂત ખાતેદારોનો વિરોધ ચાલી રહ્યો છે. અને આ પ્રશ્નને લઈને રવિવારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયુ હતું. પડવાની સંપાદિત થયેલી જમીનનો કબજો મેળવવા સરકારી બાબુઓએ બળપ્રયોગ કર્યો હતો. આ પોલીસ દમનમાં 50થી વધુ ટીયરગેસના ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. જેમાં આશરે ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાં કાળી મજુરી કરતા ખેડૂતો અને તેનો પરિવાર ભોગ બન્યો હતો. ખેડૂતો પોતાની માંગ પર આકરા તાપમાં રોજીરોટીના એક માત્ર સાધન એવી જમીન માટે ઝઝૂમી રહ્યાં છે.
ભાવનગર શહેથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા પડવા ગામ નજીક 12 ગામના ખેડૂતોની જમીન 1997ની સરકારે એક વિઘાના રૂ. 36 હજાર લેખે લિગ્નાઈટ માઈનિંગ કરીને કોલસો કાઢવા માટે GPCL (ગુજરાત પાવર કોર્પોરેશન લિમિડેટ) કંપની માટે સંપાદન કરી હતી. 22 વર્ષ પહેલા સંપાદિત કરવામાં આવેલી જમીન બાબતે સરકાર અચાનક નિંદ્રામાંથી સફાળી જાગી હતી અને બળપ્રયોગ સાથે હક્ક જતાવા પહોંચી ગઈ હતી.

સામે ખેડૂતોએ એવી માંગણી કરી હતી કે જમીનના હક્ક માટે હવે આજે જે જમીનનો ભાવ ચાલી રહ્યો છે તે આપો. જોકે, બેરી અને મૂંગી સરકારે કોઈ નિકાલ કર્યો ન હતો. પહેલી એપ્રિલના રોજ રવિવારે સવારના નવ વાગ્યાથી 12 ગામના આશરે 10 હજાર જેટલા ખેડૂતો માઇનિંગની જગ્યા પર પહોંચી ગયા હતા. 10 હજારના ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. પોલીસના બળ પ્રયોગથી ખેડૂત પરિવારના નાના બાળકો, યુવાનો અને વૃદ્ધો ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં આવેલા કોંગ્રેસના નેતાઓએ બળપ્રયોગને રોકવા જણાવ્યું અને વાટાઘાટો શરુ કરી હતી.
તમને જણાવી દઈએ કે, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અનેક ગામોમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ સરકારી તેમજ ખાનગી કંપની દ્વારા ચાલી રહ્યા છે. ઘોઘા તાલુકાના હોઈદડ તેમજ આજુબાજુના 12 ગામની જમીન વર્ષ 1997 તેમજ ત્યાર બાદના જુદાજુદા સમયે સરકારી લિગ્નાઇટ કંપની જીપીસીએલ દ્વારા સંપાદિત કરવામાં આવી હતી. જો કે 1997 બાદ આં તમામ જમીનો જીપીસીએલની માલિકીની છે. તેમજ આ જમીન માટે જે તે સમયે ખેડૂતોને વળતર પણ આપી દેવામાં આવ્યું હોવાનું કંપની દ્વારા જણાવાઈ રહ્યું છે. પરંતુ 20 વર્ષ બાદ આ જમીનમાં માઈનીંગ કરવા માટે આજે જીપીસીએલ કંપનીના માણસો સાધનસામગ્રી સાથે આવી પહોચ્યાની જાણ થતા જ 12 ગામના લોકો મોટી સંખ્યામાં હોઈદડ ગામ નજીક આ કંપનીનો વિરોધ કરવા માટે એકઠા થઇ ગયા હતા. જો કે પરિસ્થિતિ તંગ જોતા કંપની દ્વારા તાકીદે પોલીસને જાણ કરતા ડીવાયએસપી સહિતનો મસમોટો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોચ્યો હતો.
જો કે ગામલોકો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે ૨૦ વર્ષ પહેલા આ જમીન સંપાદિત કરવામાં આવી હતી. જે આજદિન સુધી કંપની દ્વારા તેના પર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તેમજ વર્ષોથી આ જમીનો પર અમે ખેતી કરી રહ્યા છીએ. ત્યારે આમ અચાનક કંપની અમારી જમીનો લઈ જશે તો અમે નિરાધાર બની જઈશું, હાલ આ 12 ગામના ગામલોકો પાસે આ જમીનમાં ખેતી સિવાય કોઈપણ પ્રકારનો કામધંધો છે નહી ત્યારે આજુબાજુના 12 ગામના લોકો બેકાર બની જવાની ભીતિ છે.
આ ઉપરાંત સુપ્રિમના નિયમ મુજબ જે કોઈ ખેડૂતોની જમીન સંપાદિત કરી હોય અને તેમાં પાંચ વર્ષમાં કોઈ કામગીરી કરવામાં ના આવે તો તે આપોઆપ મૂળ માલિકની બની જાય છે. તેમજ તેનો કબજો જો ખેડૂત પાસે સતત પાંચ વર્ષથી હોય તો તે ખેડૂતની જ જમીન ગણવામાં આવે છે, ત્યારે નિયમ મુજબ પણ આ જમીન ખેડૂતોની જ ગણી શકાય તેવી માંગ સાથે આજે આ 12 ગામના લોકો કંપની સામે વિરોધ કરવા આવી પહોચ્યા હતા.
જો કે આ જમીન પર કોઇપણ સંજોગોમાં કંપનીને માઈનિંગ નહી કરવા દેવાનો નિર્ધાર આ 12 ગામના લોકો દ્વારા કરી લેવામાં આવ્યો છે અને તમામ લોકો હાલ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરી ગયા છે. આમ છતાં પણ કંપનીના માણસો દ્વારા ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યારે ખેડૂતો પણ આદોલન ઉપરાંત કાયદાકીય રીતે કંપની સામે લડત આપવા માટે તૈયારી બતાવી રહ્યા છે.

Previous articleસૌની યોજના તળે બોરતળાવ ભરાશે – જીતુ વાઘાણી
Next articleમંદિર મસ્જિદને દાનની નહિ પણ માનવીને ધાનની જરૂર છે