4998

પાલીતાણાની ખારો નદીમાં બપોરના સમયે કપડા ધોવા ગયેલી દેવીપૂજક મહિલાની માથાના ભાગે હુમલો કરી હત્યા કરાયેલી હાલતે લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતક મહિલાના સસરાની ફરિયાદ નોંધી લાશને પેનલ પી.એમ. અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણામાં હડતમીયા રોડ પર આદર્શ સ્કુલની સામે રહેતા જયાબેન સંજયભાઈ વાઘેલા (દે.પૂ.) ઉ.વ.રપ બપોરના અઢી વાગે ઘરની પાછળ ખારો નદીના કાંઠે કપડા ધોવા ગયા હતા જ્યાં કોઈ અજાણ્યા શખ્સે જયાબેનને માથાના ડાભા ભાગે કોઈ સાધન વડે હુમલો કરી ઈજા પહોંચાડી હત્યા કરી નાસી છુટ્યો હતો. બનાવની જાણ પાલીતાણા ટાઉન પોલીસને થતા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતક મહિલાની લાશને પેનલ પીએમ અર્થે ભાવનગર સર ટી.માં ખસેડાઈ હતી. બનાવ અંગે મહિલાના સસરા મનજીભાઈ બેચરભાઈ વાઘેલાની ફરિયાદ નોંધી વધુ તપાસ વી.એમ. દવેએ હાથ ધરી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક જયાબેનના પતિ સંજયભાઈ હાલ અમદાવાદ ખાતે પોલીસ ટ્રેનિંગમાં ગયા છે.