3780

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના  શ્રધ્ધાપૂર્વક દર્શન, પૂજન અને ધ્વજારોહણ કરી સૌ માટે મંગલ કામના કરી હતી. મહાદેવની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી મુખ્યમંત્રીએ ગુજરાતની ઉન્નતી અને સર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી હતી. 
મુખ્યમંત્રીએ સોમવતી અમાસના પવિત્ર દિવસે અને શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ દાદાની આરતીનો પણ લાભ લીધો હતો. મુખ્યમંત્રી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રમણભાઇ વોરા,ગુહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, પાણી પૂરવઠા રાજ્યમંત્રી જશાભાઇ બારડ, પ્રવાસન નિગમના ડીરેક્ટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડીએ પણ આરતીનો લાભ લીભો હતો.
મુખ્યમંત્રીશ્રીએ તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે વિવિધ પ્રકારના દ્રવ્યો, ગંગાજળથી ભગવાન  સોમનાથને અભિષેક કર્યા હતા. સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી ધનંજયભાઇ દવે અને વિપ્રગણ દ્વારા શાસ્ત્રોક્ત-વેદોક્ત મંત્રોગાનથી સમગ્ર વાતાવરણમાં અનોખા 
પ્રકારની દિવ્યતા પ્રસરી ગઇ હતી. સોમનાથ મંદિર ખાતે મુખ્યમંત્રીનું સોમનાથ ટ્રસ્ટ વતી  જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્વાગત કર્યુ હતુ. જિલ્લા કલેકટર ડો.અજયકુમાર, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા હીતેષ જોયસરે પણ સોમનાથ દાદાની આરતીનો લાભ લીધો હતો.   
પ્રભાસ તિર્થ સ્થિત સોમનાથ ખાતે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે અને સોમવતી અમાસના પવિત્ર દિવસે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. વહેલી સવારથી લોકો દર્શન માટે આવી શાંતીપૂર્વક સોમનાથ દાદાના દર્શન કરી સોમનાથ પરિસરના પવિત્ર વાતાવરણનો લાભ લીધો હતો.