8304

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજસ્થાની સમાજ ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયો છે.
અખિલ ગુજરાત હિન્દી સમાજ પ્રેરિત ગુજરાત-રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા આયોજિત ફાગ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજસ્થાન એ ગુજરાતનું પડોશી રાજ્ય છે. રાજસ્થાનના લોકોએ ગુજરાતમાં વસી ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી ગુજરાતના વિકાસ-પ્રગતિને વેગ આપવાનું કાર્ય કર્યું છે.
મુખ્યમંત્રીએ ફાગોત્સવ એ રંગોનો તહેવાર છે. તે જ રીતે આપણા સૌના જીવનમાં ફાગોત્સવનાં રંગો રેલાય અને આગામી વર્ષ ઉમંગ-ઉલ્લાસ સાથે વિતે તેવી સૌને શુભેચ્છા પાઠવી હતી.રાજસ્થાન એ પરાક્રમ- વેપાર અને સંસ્કારની ભૂમિ છે તેમ જણાવી કહ્યું કે, રાજસ્થાની આગવા ખમીર અને ખુમારી ધરાવતો ગૌરવવંતો ઇતિહાસ ધરાવે છે. રાજસ્થાન- ગુજરાત પડોશી રાજ્ય છે અને બંને રાજ્યો સુખ-દુઃખમાં સાથે મળી આગળ વધ્યા છે તેમ જણાવી સૌના સાથ- સૌના વિકાસના મંત્ર સાથે નયા ભારતના નિર્માણમાં સહભાગી થવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ બેટી બચાવો- બેટી વધાવો અને સ્વચ્છતા અભિયાન માટે રૂા. ૫૧,૦૦૦ ના ચેક સ્વીકાર્યા હતાં અને રાજસ્થાની કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી  સાંસ્કૃતિક પ્રસ્તુતિને નિહાળી હતી. કેન્દ્રીય ન્યાય અને કાયદા મંત્રી પી.પી. ચૌધરીએ જણાવ્યું કે, ગુજરાતમાં રોડ, રસ્તા, પાણી, વીજળીની અદભૂત વ્યવસ્થા છે જેના દ્વારા ગુજરાત દેશમાં અનુકરણીય રાજ્ય બન્યું છે. 
ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સુદ્‌ઢ વ્યવસ્થા છે તેથી રાજસ્થાનના લોકો ગુજરાતમાં શાંતિથી પોતાનો ધંધો કરી શક્યા છે અને અહીં સરળતાથી વસી શક્યા છે. અમદાવાદમાં ઉપલબ્ધ સારી આરોગ્ય સુવિધાઓના કારણે રાજસ્થાનના લોકો સારવાર લેવા માટે આવે છે, તેમ જણાવી ગુજરાતે તમામ ક્ષેત્રોમાં કરેલા વિકાસની સરાહના કરી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, તહેવારો એ રાજસ્થાનની ઓળખ છે અને મહોત્સવનો આનંદ માણવો એ તેઓની સાંસ્કૃતિક પરંપરા છે.