7100

રાજય સરકારના ખાનગી સ્વનિર્ભર શાળા ફી નિયમન કાયદાને ગુજરાત હાઇકોર્ટે બહાલ રાખ્યા બાદ અને તેની પર મંજૂરીની મ્હોર મારી દીધા છતાં અમદાવાદ સહિત રાજયના શાળા સંચાલકો દ્વારા મનસ્વી રીતે વાલીઓ પાસેથી ફીની વસૂલાત અને થઇ રહેલા બ્લેકમેઇલીંગના વિરોધમાં અમદાવાદ સહિત રાજયભરના વિવિધ વાલીમંડળો દ્વારા આજે રાજયભરની શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે, વાલીમંડળના શાળા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. શાળા બંધના મિશ્ર પ્રતિસાદના કારણે ગુજરાતભરની મોટાભાગની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ખોરવાયું હતું. વાલીઓએ હાથમાં બેનરો, પ્લેકાર્ડ દર્શાવી સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ફીની પઠાણી ઉઘરાણી કરતાં શાળા સંચાલકો વિરૂધ્ધ તાત્કાલિક પગલાં લેવા પણ સરકાર સમક્ષ માંગણી કરી હતી. તો, સરકારે વાલીમંડળોના બંધના એલાનને બેજવાબદાર ગણાવ્યું હતું. બીજીબાજુ, કેટલાક વાલીમંડળ બંધના એલાનમાં નહી જોડાતાં અમુક સ્કૂલો ચાલુ રહી હતી. કેટલાક વાલીમંડળે હાલ રાજયની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની ઇન્ટર્નલ પરીક્ષાઓ ચાલતી હોઇ બંધના એલાનનો વિરોધ કર્યો હતો કારણ કે, તેનાથી વિદ્યાર્થીના શિક્ષણ પર અસર પડવાની દહેશત વ્યકત કરી હતી. આમ, ગુજરાતના વાલીમંડળોમાં એક રીતે જોવા જઇએ તો, આંતરિક વિખવાદ સામે આવ્યો હતો અને તેના કારણે આજે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. તો કેટલીક જગ્યાએ તો બંધની આંશિક અસર જોવા મળી હતી. ખાનગી અને સ્વનિર્ભર શાળા સંચાલકોની દાદાગીરી છતાં રાજય સરકાર તેમની વિરૂધ્ધ કોઇ પગલાં નહી લેવાતાં અને શાળા સંચાલકોની સરમુખત્યારશાહીના વિરોધમાં આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના વિવિધ વાલીમંડળો દ્વારા આજે રાજયભરની શાળા બંધનું એલાન અપાયું હતુ. વાલીમંડળના અગ્રણીઓ વાલીઓને ખૂબ મોટી સંખ્યામાં સાથે રાખી રાજયની જુદી જુદી શાળાઓ પર બેનરો, પ્લેકાર્ડ લઇને ઉમટયા હતા અને ઉગ્ર દેખાવો અને સૂત્રોચ્ચાર યોજીને શાળા સંચાલકોની દાદાગીરી અને મનસ્વી રીતે ઉંચી ફી ઉઘરાવવાની લૂંટ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પૂર્વના કેટલાક વિસ્તારો તેમ જ મેમનગર, ઘાટલોડિયા સહિતના કેટલાક વિસ્તારોમાં વાલીમંડળોએ સ્કૂલો ચાલુ રહેતાં શાળાઓ બંધ કરાવી હતી. તો કેટલાક સ્થળોએ વાલીમંડળના આગેવાનો અને શાળા મેનેજમેન્ટ વચ્ચે શાળા બંધ કરાવવવા મુદ્દે ચકમક ઝરી હતી અને ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા. વાલીઓએ જણાવ્યું હતું કે, રાજયની કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ત્રણ કવાર્ટરની ફી ઉઘરાવી લીધી છે, તો કેટલીક શાળાઓએ આખા વર્ષની ફી ઉઘરાવી લીધી છે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ પણ શાળા સંચાલકોને તેને માનતા નથી અને કાયદાકીય ગૂંચ ઉભી કરી પ્રક્રિયાનો દૂરપયોગ કરી રહ્યા છે. છતાં રાજય સરકાર દ્વારા આવા શાળા સંચાલકો વિરૂધ્ધ કોઇ પગલાં લેવાતા નથી કે આવા શાળા સંચાલકો વાલીઓની વારંવારની માંગણી છતાં ગેરકાયેદ રીતે ઉઘરાવેલી ફી પાછી આપતા નથી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આશરે પાંચ હજારથી વધુ શાળાઓ છે, જયારે રાજયભરમાં અંદાજે ૪૦ હજારથી વધુ શાળાઓ આવેલી છે ત્યારે આજે  વિવિધ વાલીમંડળોના એલાનને પગલે મોટાભાગની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ખોરવાઇ ગયુ હતું. જે વાલીમંડળો બંધથી અળગા રહ્યા હતા તેવા વિસ્તારોમાં શાળાઓ ચાલુ રહેતાં ત્યાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય હાથ ધરાયું હતું. જો કે, વાલીમંડળોમાં અલગ-અલગ ભાગલા પડી જતાં બંધને સંપૂર્ણ સફળતા મળી શકી ન હતી.