3512

ભાવનગર શહેર-જિલ્લામાં લોકોએ સહ પરિવાર પરંપરાગત રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. લોકભાતીગળ પર્વમાં ગ્રહણના દોષને લઈને લોકો થોડા અસમંજસમાં રહ્યાં હતા. સિંધી સમુદાય તથા માછીમાર પરિવારો દ્વારા દર વર્ષ માફક આ વર્ષે પણ રત્નાકર (સાગર)ની શાસ્ત્રોક્ત રીતે પૂજા અર્ચના કરી શુભાશિષની કામનાઓ કરી હતી.
શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન-બળેવ, નાળીયેરી પૂર્ણિમા સહિત અનેક નામો થકી ઓળખાતા અનેક શ્રાવણી પર્વ પૈકીનું એક લોક પર્વ રક્ષાબંધનની આજે લોકો દ્વારા પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પરંતુ દર વર્ષની તુલનાએ આ વર્ષે મહાપર્વની ઉજવણીને લઈને લોકોમાં થોડો મતમતાંતર જોવા મળ્યો હતો. કારણ કે આ વર્ષે ચંદ્રગ્રહણ હોય જેને લઈને રાખડી બાંધવાનું મુર્હુત તથા ભુદેવો દ્વારા નળી જનોઈ ધારણ કરવા અંગે શાસ્ત્ર દ્વારા વિશેષ નિર્દેષ કર્યો હતો. ગ્રહણ અને વિશિષ્ટ ભદ્રા હોય બન્ને શુભકાર્યો માટે પુરા દિવસના બદલે નિયત સમય મર્યાદામાં જ રાખડી બાંધવા અને જનોઈ ધારણ કરવા માટેનો સમય નિર્ધારીત કરવામાં આવ્યો હતો. લોકો દ્વારા કુટુંબ મિત્રો સાથે મળી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એ જ રીતે સિંધી પરિવારે પણ પોતાના ઈષ્ટદેવ દરિયા દેવની શાસ્ત્રોક્ત રીતે પૂજા કરી હતી.

સાગરખેડૂઓ દ્વારા શુભ મુર્હુતનું શુકન કર્યુ
ભાવનગરના સાગર તટ પર વસેલા ગામડાઓમાં રહેતા અને માચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો સ્વાધ્યાય પરિવારના હિમાયતી હોય છે. આજે ગ્રહણનો વેધ હોવાના કારણે બળેવ-નાળીયેરી પૂર્ણિમા પૂર્વે સ્વાધ્યાય પરિવાર દ્વારા દરિયાદેવની પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને આજે પૂનમનું મુર્હુત સાચવવા હોડી તથા સાગરને ફુલ, માળા અને કંકુ શ્રીફળ અર્પણ કરી સુખાકારી તથા રક્ષણ અર્થેની કામનાઓ કરી હતી. પરંતુ ભાવનગરના નવા બંદર ખાતે સિંધી (નિરાશી) સમાજ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલનું પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.