6932

ઉતરાયણના તહેવાર નિમિત્તે ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેમજ ઘાતક દોરીથી સામાન્ય લોકો ઘાયલ ના થાય તે માટે રાજ્ય સરકાર કરૃણા અભિયાન ચલાવી રહી છે. 
જે અંતર્ગત આજે જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે બેઠક કરીને તા.૧૦ જાન્યુઆરીથી આ કરૃણા અભિયાનમાં કરવાની થતી કામગીરીની વહેંચણી કરી દીધી હતી. એટલું જનહીં પ્રતિબંધિત એવા ચાઈનીઝ દોરી-તુક્કલનો ઉપયોગ કરનારા વ્યક્તિઓ અંગે પણ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરમાં જાણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. 
ગાંધીનગર જિલ્લામાં ઉતરાયણના પર્વ નિમિત્તે અબોલ પક્ષીઓનો જીવ જાય નહીં તે હેતુથી સરકારનું કરૃણા અભિયાનનો આરંભ તા.૧૦ જાન્યુઆરીથી જ કરી દેવામાં આવનાર છે. આ માટે જિલ્લા કલેકટર સતીષ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં મ્યુનિ.કમિશનર ડી.એન.મોદી સહિતના અધિકારીઓ પણ હાજર રહયા હતા. જેમાં વિવિધ એનજીઓ અને પતંગનો વ્યવસાય કરતાં વેપારીઓ પણ જોડાયા હતા. જિલ્લામાં આ વખતે ચાઈનીઝ દોરી તુક્કલ ના વેચવા માટે તાકીદ કરવામાં આવી હતી. એટલું જ નહીં ખાનગી રીતે પણ કોઈ ચાઈનીઝ દોરી કે તુક્કલનું વેચાણ ના કરે તે માટે પણ વોચ રાખવા અને કોઈ પકડાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. પોલીસને પણ ઉતરાયણની આગલી રાત્રે શહેરના માર્ગો ઉપર વાહન ચેકીંગ કરીને કોઈ ચાઈનીઝ દોરી કે તુક્કલ લાવે છે કે નહીં તેની તપાસ કરવા માટે જણાવ્યું છે.