7614

 રાજ્યમાં પ્રાથમિક -માધ્યમિક સહિત શિક્ષણ ક્ષેત્રની આમૂલ ગુણવત્તા સુધારણાની  સંદર્ભમાં તેમણે કહ્યું કે સંસાધનો, નાણાં ફાળવણી માનવબળની સંપૂર્ણ સજ્જતાનો સુચારૂ ઉપયોગ કરીને સરકારી શાળાઓને પણ ખાનગી શાળાઓ, એસ.એફ.આઇ. સાથે બરોબરીની સ્પર્ધા કરી શકે તેવી બનાવવા રાજ્ય સરકારની નેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ
મુખ્યમંત્રીએ રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લા શિક્ષણાધિકારીઓ - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની એક દિવસીય ચિંતન શિબિરનું સમાપન કરાવ્યું હતું.  માતૃભાષાનું મહાત્મ્ય પુનઃ પ્રસ્થાપિત થાય તે માટે આગામી શૈક્ષણિક સત્રથી તમામ શાળાઓમાં ધોરણ ૮ સુધી ગુજરાતી વિષય ફરજિયાત કરવાનો પણ સંકેત આપ્યો હતો. 
 ભવિષ્યના ભારતના સુદૃઢ નાગરિકો - સક્ષમ રાષ્ટ્રના નિર્માણની જવાબદારી જેમના ખભા પર છે એવા શિક્ષણ વિભાગના ખુલ્લા મને આ સમૂહ ચિંતન પ્રયોગને અભિનંદનીય ગણાવ્યો હતો.  શિક્ષણ એ વિકાસની પાયાની બાબત છે. જ્યાં સુધી શિક્ષણની ગુણવત્તા અને સ્તર ઊંચા નહિં જાય ત્યાં સુધી વિકાસ અધૂરો છે.  રાજ્યમાં ૧૦૦ ટકા શાળા નામાંકન અને શિક્ષણ ગુણવત્તા સુધારણા માટે રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, શિક્ષકો, અમલીકરણ અધિકારીઓને આ માટે સંપૂર્ણ સહયોગ સરકાર આપશે જ. તેમણે શિક્ષણના વ્યવસાયને નોબલ પ્રોફેશન ગણાવતાં ઉમેર્યું કે રાજ્ય સરકાર દર વર્ષે આશરે ૨૫ હજાર કરોડ રૂપિયા શિક્ષણ માટે ફાળવે છે. ગરીબ, વંચિત, શોષિત, શ્રમજીવી વર્ગોના મળીને કુલ ૮૦ લાખથી વધુ બાળકો ૩૪ હજાર સરકારી શાળાઓમાં શિક્ષણ મેળવે છે અને ૩ લાખથી વધુ શિક્ષકો- કર્મચારીઓ શિક્ષણ યજ્ઞમાં જોડાયા છે.  ભારતના આ ભાવિને સાચી દિશામાં યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધારીને ગુજરાત શિક્ષણમાં અવ્વલ બની શકે તેમ છે.હવેનો યુગ જ્ઞાન-વિજ્ઞાન-ટેક્નોલોજી અને નોલેજનો છે તેનો મહત્તમ લાભ બાળકોને કઇ રીતે આપી શકાય તે દિશામાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા આ અમલીકરણ અધિકારીઓને ગહન વિચાર વિમર્શ- પરામર્શ માટે આહવાન કર્યું હતું.  
 શિક્ષકોની સજ્જતા,શિક્ષણમાં નવા ઇનોવેશન્સ,પ્રયોગો માટે શિક્ષકોની ટીમ બને, એટલું જ નહિં જિલ્લાઓ વચ્ચે આંતરિક સ્પર્ધા થાય અને શ્રેષ્ઠતાને પુરસ્કૃત કરાય. તેમણે ઉમેર્યું કે, આના પરિણામે શિક્ષકોમાં નવો ઉત્સાહ આવશે અને બાળકોને શિક્ષિત કરવા માટેના નવતર આયામો આંતરસૂઝથી મળતા થશે. 
શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તંદુરસ્ત સમાજજીવનમાં શિક્ષણની ભૂમિકા મહત્વની હોવાનું લેખાવી જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે લોકશિક્ષણ પણ શિક્ષકો દ્વારા થાય ત્યારે જ સમાજજીવન તંદુરસ્ત બને. સમાજમાં બનતી અઘટિત ઘટનાઓ પ્રત્યે વ્યક્તિમાં સંવેદના ત્યારે જ થશે, જ્યારે બાળપણથી જ સંવેદનાના ગુણો વિદ્યાર્થીઓમાં શિક્ષક દ્વારા સંચાર થાય. શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા ડી.ઇ.ઓ., ડી.પી.ઓ. અઠવાડિયામાં એકાદ-બે દિવસ શાળાની મુલાકાત લે તો શાળાના શિક્ષણ કાર્યમાં ગુણાત્મક પરિવર્તન આવશે. શિક્ષણમાં ગુણાત્મક સુધાર માટે મન બનાવવાની જરૂરિયાત પર  ખાસ ભાર મૂકયો હતો. 
શિક્ષણ રાજ્ય મંત્રી  વિભાવરીબેન દવેએ આજે યોજાયેલી ચિંતન શિબિરને શિક્ષણ સુધારણા માટે મહત્વની અને ઉપયોગી લેખાવી જણાવ્યું હતું કે, શાળામાં ભણતા વિદ્યાર્થીઓ સાથે મમતાપૂર્ણ અભિગમ દાખવવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનું સિંચન થશે.  પ્રાથમિક શિક્ષણ અગ્રસચિવ સુનયના તોમરે શિક્ષણ વિભાગની ચિંતન શિબિરનો હેતુ અને ઉપયોગીતા દર્શાવી તેની ભૂમિકા સમજાવી હતી. આ ચિંતન શિબિરમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપરાંત ખાતાના વડાઓ, જિલ્લા શિક્ષણાધિકારીઓ, પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.         વિદ્યાર્થીઓ સમજપૂર્વક જ્ઞાન મેળવી શકે એ માટે શું કરવું જોઇએ, બાળકોમાં પરીક્ષાનો ભય દૂર થાય એ માટે માત્ર માહિતી આધારિત પ્રશ્નોને બદલે વિદ્યાર્થીની સમજણ અને પોતે જે જાણે છે તેનું ઉપયોજન કરવાની ક્ષમતા ચકાસી શકે એવી મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિ કેવી હોય એ અંગે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત એન.ઇ.ઇ.ટી.ઇ, જે.ઇ.ઇ. અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના બાળકો સારો દેખાવ કરી શકે એ માટે શું કરવું જોઇએ એ અંગે પણ ચર્ચા થઇ હતી.      શિક્ષકોને જુદા જુદા વિભાગમાં વિવિધ માહિતી વારંવાર ન આપવી પડે અને જરૂરી માહિતી જ્યારે જોઇએ ત્યારે સરકારના દરેક વિભાગને તાલુકા, જિલ્લા, રાજ્યસ્તરે મળી રહે તે માટેના કેન્દ્ર સરકારના ટેકનોલોજીકલ પ્લેટફોર્મ ‘શાળાકોષ’ અંગે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા બાળકોને શિક્ષણ આપવા માટે શરૂ થયેલ જ્ઞાનકુંજ પ્રોજેકટ અંગે જિલ્લાના અધિકારીઓના હકારાત્મક પ્રતિભાવો મળ્યા હતા જેને ધ્યાને લઇ, આગામી વર્ષે જ્ઞાનકુંજનો વ્યાપ વધારવા માટે પણ ચર્ચા થઇ હતી. શિક્ષકોને આપવામાં આવતી તાલીમમાં પણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટે આઇ.આઇ.એમ. અમદાવાદ અને આઇ.આઇ.ટી. ગાંધીનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના સહયોગથી આગળ વધવા અંગે ચિંતન થયું હતું.  માતૃભાષા ગુજરાતીનું મહત્વ અને વ્યાપ વધારવા માટે, ગુજરાતમાં આવેલી કોઇ પણ માધ્યમની અને કોઇપણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓમાં ધોરણ-૮ સુધી ગુજરાતી વિષય ફરજિયાત બનાવવા અંગે પણ આ શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર શિક્ષણ વિભાગના તાબા હેઠળની કચેરીઓના અને શાળાઓના અધિકારીઓ-કર્મચારીઓ, તમામ શિક્ષકો માટે એક સમાન ગણવેશ નિયત કરવા માટે પણ આ ચિંતન શિબિરમાં વિચારણા કરવામાં આવી હતી.