8303

વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું હોવાથી સચિવાલય સંકુલમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો અને રાજનેતાઓની અવરજવર જોવા મળેય છે. જોકે, એ તમામમાં એક વાત ઊડીને આંખે વળગે તેવી સામે આવી છે કે, ભાજપ હોય કે કૉંગ્રેસ, બંને પક્ષના ધારાસભ્યો સચિવાલય સંકુલમાં બિન્દાસ કાળા કાચવાળી કારમાં ફરતા નજરે પડે છે. કાર પર બ્લેક ફિલ્મ એટલે કે કાળા કાચ પર સુપ્રીમ કોર્ટેનો પ્રતિબંધ હોવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ તેનો અનાદર કરે છે.
માત્ર ધારાસભ્યોની જ નહીં રાજ્ય સરકારની કાર ઉપર પણ કાળા કાચ અને બ્લેક ફિલ્મ જોવા મળે છે. મહત્ત્વનું છે કે, થોડા સમય અગાઉ જ એક કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમન મુદ્દે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કાયદો બધા માટે સમાન છે, મંત્રી હોય કે સંત્રી. જે પણ કાયદાનું ઉલ્લંઘન કરશે તેની સામે પગલાં લેવામાં પોલીસ તંત્રે કોઈની શેહશરમ રાખવી નહીં.
સવાલ એ થાય કે, શું કાયદાના નિયમો માત્ર સામાન્ય લોકોને જ લાગુ પડે છે? જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને વિધાનસભાના સભ્ય બનનારા અને કાયદાનું ઘડતર કરનારા ધારસભ્યો પોતે જ કાયદાની અવગણના કરે તો પોલીસતંત્ર તેમની સામે શા માટે કાર્યવાહી કરતું નથી એ પ્રશ્ન છે.