8427

એક્રેસીલ લિમિટેડ દ્વારા ભાવનગર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૩મી ફેડરેશન કપ મેઈન સાયકલ પોલો ચેમ્પિયન શીપનો આજથી ત્રણ દિવસ માટે મેયર નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રારંભ કરાયો હતો. ઉદ્દઘાટન સમારોહમાં કલેક્ટર હર્ષદ પટેલ, કમિશ્નર મનોજ કોઠારી, ડીડીઓ આયુષ ઓક, ફેડરેશનના પ્રમુખ રાઘવેન્દ્રસિંઘ, ઉપપ્રમુખ ગીરીશ પરમાર, જનરલ સેક્રેટરી ગજાનન બુરડે, આસીસ્ટન્ટ સેક્રેટરી સુનૈના મિશ્રા, ટ્રેઝરર અબુબકર, એક્રેસીલના સીએમબી ચિરાગ પારેખ, શેઠબ્રધર્સના ગૌરવ શેઠ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. આજે પ્રથમ દિવસે ૮ મેચો રમાઈ હતી. જેમાં ગુજરાતની એ તથા બી બન્ને ટીમોનો પરાજય થયો હતો.
ભાવનગર ખાતે સૌપ્રથમ વખત ફેડરેશન કપ સાયકલ પોલો ચેમ્પિયનશીપનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં ઉદ્દઘાટન સમારોહ બાદ રાજસ્થાન અને ગુજરાત-બી વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં રાજસ્થાનની ટીમનો વિજય થયો હતો. જ્યારે ટેરીટોરીયલ આર્મી અને પશ્ચિમબંગાળ વચ્ચે રમાયેલી મેચમાં ટેરીટોરીયલ આર્મીનો વિજય થયેલ, ઈન્ડિયન એરફોર્સ અને મહારાષ્ટ્ર વચ્ચે રમાયેલ મેચમાં ઈન્ડિયન એરફોર્સનો વિજય થયો હતો. આ ઉપરાંત કેરેલા અને ગુજરાત-એ વચ્ચે રમાયેલી મેચમાં કેરેલા વિજય બનેલ. જ્યારે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચમાં ઉત્તરપ્રદેશનો વિજય થયો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાત-બી વચ્ચે રમાયેલ મેચમાં મહારાષ્ટ્રનો વિજય થયો હતો અને ટેરીટોરીયલ આર્મી તથા કેરેલા વચ્ચે રમાયેલી મેચમાં ટેરીટોરીયલ આર્મીનો વિજય થયો હતો. જ્યારે અંતિમ મેચ ઈન્ડિયન એરફોર્સ અને ઉત્તરપ્રદેશ વચ્ચે રમાયેલ. જેમાં ઉત્તરપ્રદેશની ટીમે માત્ર એક ગોલ કર્યો હતો. જેની સામે ઈન્ડિયન એરફોર્સે ર૦ ગોલ કરી ભવ્ય વિજય મેળવ્યો હતો. આજે પ્રથમ દિવસે રમાયેલી ૮ મેચોમાં ટેરીટોરીયલ આર્મી અને ઈન્ડિયન એરફોર્સની ટીમ છવાઈ ગઈ હતી. ભાવનગર ખાતે પ્રથમ વખત રમાયેલ સાયકલ પોલો ટુર્નામેન્ટને નિહાળવા તથા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને મેચ નિહાળી હતી.