8486

ગાંધીનગરમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે પણ આ ચૂંટણીમાં કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી હોવાનો મુદ્દો ઉછળ્યો છે. ગાંધીનગર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ૬ ઉમેદવાર હાજર ન રહેતા ભાજપને ફાયદો થયો હતો. જેને પરિણામે ભાજપ લધુમતીમાં હોવા છતાં મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સભ્ય પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા. 
ભાજપના શોભનાબેન ઈશ્વરભાઈ વાધેલા પ્રમુખ તરીકે અને જગદીશ પટેલ ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવતા, કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો હતો. કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી તેવો ઘાટ જોવા મળ્યો હતો.
ગાંધીનગર તાલુકા પંચાયતની કુલ ૩૬ બેઠકો પૈકી ૧૮ કોંગ્રેસ અને ભાજપ ૧૫ અને ૩ અપક્ષ બેઠક હતી. બે અપક્ષ ઉમેદવારોને ભાજપે પોતાની બાજુ કરી લેતા ભાજપ ૧૫+૨ ની સ્થિતિમાં હતું જ્યારે કોંગ્રેસ પોતે જ ૧૮ +૧ અપક્ષ એમ સ્થિતિ હતી. દરમિયાન સોમવારે ફોર્મ ભરતી વેળાએ કોંગ્રેસમાં વિખવાદ સપાટી પર આવ્યો હતો. દરમિયાન આજે મંગળવારે થયેલી ચૂંટણીમાં ભાજપના ૧૭ સભ્યો હાજર રહ્યાં હતા. જ્યારે કોંગ્રેસમાંથી કુલ ૧૯ને બદલે માત્ર ૧૩ સભ્યો હાજર રહેતા ભાજપની બહુમતીએ જીત થઈ હતી.
આ સમગ્ર ઘટનામાં આશ્ચર્ય જનક વાત એ હતી કે ઉવારસદ બેઠકના સભ્ય મહોતજી ઠાકોર જે ગાંધીનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂકયા છે ચૂંટણી દરમિયાન ગેરહાજર રહ્યાં હતા. તેમણે અંદરખાને ભાજપને ટેકો આપ્યો હતો.
ઉલ્લેખનિય છે કે કોંગ્રેસમાંથી વનિતાબેન ઈશ્વરસિંહ સોલંકીએ પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જો કે તેમની સામે અસંતોષનો માહોલ સર્જાતા, કોંગ્રેસ ગાંધીનગર તાલુકા પંચાયત હાથમાંથી સરકી જતી અનુભવી હતી.