8411

ગાંધીનગર જિલ્લા આપત્તી વ્યવસ્થાપન કેન્દ્દ દ્વારા પાટનગરમાં ભૂકંપ જેવી કુદરતી આફતમાં રાહત-બચાવ કામગીરી અંગે મોકડ્રીલ યોજાઇ હતી. ગાંધીનગરમાં જી.ઇ.બી. પ્લાન્ટ, અખબાર ભવન, સરકારી છ ટાઇપનાં ફલેટ, સેકટર - ૨૦ ખાતે એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ., ફાયર અને હેલ્થ સર્વિસ તથા આર્મી, બી.એસ.એફ., સી.આર.પી.એફ. પોલીસ, હોમગાર્ડસ, માર્ગ-મકાન સહિતનાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સવારે ૧૦-૦૦ કલાકે  ભૂકંપ આવ્યાના સમાચાર જિલ્લા કંટ્રોલ રૂમને મળતાં માનવ જાનહાનિ અને રાહત-બચાવની કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું 
જિલ્લા કલેકટર સતીષ પટેલના વડપણ હેઠળ આર્મી, બી.એસ.એફ.તથા વિવિધ વિભાગોના વાયરલેસ સેટથી સજજ અધિકારીઓને વિવિધ સૂચનાઓ પ્રમાણે રાહત-બચાવની કામગીરી જિલ્લાના ત્રણ સ્થળોએ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી સતીષ પટેલ અને નિવાસી અધિક કલેકટર એચ.એમ. જાડેજાએ જી.ઇ.બી., અખબાર ભવન અને સરકારી વસાહત સેકટર - ૨૦ ખાતે ત્વરીત રાઉન્ડ લઇને ભૂકંપની મોકડ્રીલની કામગીરી નીહાળી, વાયરલેસ દ્વારા વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી. ગાંધીનગર ડીસ્ટ્રીકટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા રાહત - બચાવની વિવિધ કામગીરીની ત્વરીત  સૂચનાઓ આપવામાં આવી હતી. 
ધરતીકંપમાં બહુમાળી ઇમારતમાં ફસાયેલા લોકોને આર્મી અને બી.એસ.એફ.ના જવાનોએ સીડી મારફત ઘવાયેલા લોકોને બહાર કાઢયા હતાં. વિવિધ મેડીકલ ટીમોએ સ્થળ ઉપર ત્વરીત સારવારની વ્યવસ્થા પૂરી પાડી હતી તથા ઘવાયેલા લોકોને સીવીલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતાં.   
પોલીસ વિભાગ દ્વારા ટ્રાફીક નિયમન અને લાઉડ સ્પીકર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહી કોઇ પણ ગભરાટ વગર સલામતી અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. 
ભૂકંપ જેવી પરિસ્થિતિમાં વિવિધ વિભાગોનું તંત્ર સક્ષમતાથી ઝડપી અને ત્વરીત કામગીરી બજાવે, સરકારી તંત્ર અને સેવાકાર્યો કરતી સંસ્થાઓનું સંકલન તથા માનવ જાનહાની અને ગંભીર લોકોને ત્વરીત સારવાર દ્વારા અસરકારક કામગીરી થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલની કામગીરી કરાઇ હતી. સેકટર - ૧૭ના ટાઉન હોલના પાર્કીગમાં સ્ટેગીંગ એરીયા રાખવામાં આવેલ હતો. 
ભૂકંપની મોકડ્રીલ બાદજિલ્લા કલેકટર સતીષ પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગો દ્વારા હાથ ધરેલ કામગીરીની નિપુણતા અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.