3851

ભાવનગર શહેર ભાજપ દ્વારા આજે અગાઉથી સફાઈ કરી ચોખ્ખા ચણાક કરાયેલા ઘોઘાગેટ ચોકમાં મંત્રી ડો.મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાનનું નાટક કર્યુ હતું. અગાઉથી જ સફાઈ કરાવેલા રોડ ઉપર માસ્ક પહેરીને મંત્રી સહિત ભાજપના હોદ્દેદારોએ રસ્તા ઉપર સાવરણા ફેરવી ફોટોસેશન કરાવી સફાઈ અભિયાનનું નાટક કરી ચાલતી પકડી હતી. જે લોકોમાં ભારે ટીકાપાત્ર બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશન હેઠળ સમગ્ર દેશમાં સફાઈ અભિયાનની રીતસર લહેર ઉઠી છે ત્યારે ભાવનગર શહેર-જિલ્લા ભાજપ દ્વારા પણ અવારનવાર જાહેર સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવે છે. આવા જ એક આયોજન અનુસાર શહેર ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા, પ્રભારી જશાભાઈ બારડ, સંસદીય સચિવ વિભાવરીબેન દવે, ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી ભરતસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ તથા શહેર ભાજપના વિવિધ હોદ્દેદારો દ્વારા શહિદ ભગતસિંહ ચોક (ઘોઘાગેટ) ખાતે જાહેર સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે જે સ્થળ પર સાફ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ વહેલી સવારે મહાપાલિકાના સફાઈ કામદારો દ્વારા ચોખ્ખો ચણક કરવામાં આવ્યો હતો. મંત્રીઓ અને સભ્યોને અત્રે આવી ચહેરા પર માસ્કર સાથે હાથમાં સાવરણા લઈ સફાઈ કરતા હોય તેવો અભિનય કરી ફોટાઓ પડાવવાના હતા. બસ પૂર્વ યોજના અનુસાર મંત્રી ગણ તથા સભ્યો નિયત સ્થળે પહોંચ્યા અને અભિનયની શરૂઆત કરી મિડીયા પાસે ફોટા વિડીયો શુટ કરાવવા મોઢે રહેલી સ્પીચ આપી અને ગણતરીના સમયમાં નાટક પૂર્ણ કરી એ.સી. ગાડીઓમાં રવાના થયા..! ભાજપનું આ નાટક પ્રજાજનોમાં ટીકા સાથે ચર્ચાનો વિષય બન્યું હતું. લોકોમાં થતી ચર્ચા-ચણભણાટ મુજબ ઘોઘાગેટ સમીપ આવેલ ગંગાજળીયા તળાવ, સર ટી. હોસ્પિટલ સહિત અનેક સ્થળોએ ઉડીને આંખે વળગે તેવી ગંદકી અને ગોબરવાડાને દુર કરવાના બદલે પૂર્વથી જ સાફ-સુથરા માર્ગોને સાફ કરી આ લોકો શું સાબીત કરવા માંગે છે ? તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે.

નેતાઓને સમયની પણ કિંમત નહીં !
ભાજપ દ્વારા આપવામાં આવેલ જાહેર સફાઈના કાર્યક્રમમાં મુખ્ય નેતા સહિતના હોદ્દેદારો નિયત સમય કરતા ખુબ લેટ આગમન થયું હતું અને આગમન પણ અપ ટુ ડેટ જાણે કોઈ સ્થળનું ઉદ્દઘાટન અગર રેલી કે સભામાં માટે પધાર્યા હોય તે રીતે નેતાઓ લેટ લતીફ બનતા મુખ્ય આયોજકો, મિડીયા અને ભાજપના કાર્યકરો સફાઈ કામદારોને અકળાવ્યા હતા અને આવ્યા બાદ પણ નિર્ધારીત કાર્યને શરૂ કરવાના બદલે વાતચીત હાલચાલ પુછવામાં વ્યસ્ત રહ્યા હતા.