7800

ભારે ઉત્સાહ અને ઉત્તેજનાભર્યા વાતાવરણમાં આજે રાજયની ૭૪ નગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી. સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલેલા મતદાન દરમ્યાન ગ્રામ્ય વિસ્તારના મતદારોએ ખાસ કરીને મહિલાઓ અને વૃધ્ધોએ મતદાન માટે ભારે ઉત્સાહ અને રસ દાખવ્યો હતો. રાજય ચૂંટણી પંચના અસરકારક વહીવટી તંત્ર અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સાંજે પાંચ વાગ્યે રાજયની ૭૪ નગરપાલિકાઓની ચૂંટણી એટલે કે, મતદાન શાંતિપૂર્ણ માહોલમાં આખરે સંપન્ન થયું હતું. મોડી સાંજ સુધી ૭૪ નગરપાલિકાઓમાં સરેરાશ ૬૨ ટકાથી વધુ મતદાન નોંધાયાનો અંદાજ છે. સાંજે ચાર વાગ્યા સુધી રાજયમાં લગભગ ૫૮ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રાજયની અમરેલીની જાફરાબાદ નગરપાલિકા અને કુલ ૫૨ બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થઇ ગઇ હોઇ આજે રાજયની ૭૪ નગરપાલિકાના ૫૨૯ વોર્ડની ૨૦૬૪ બેઠકો માટે મતદાન યોજાયું હતું અને કુલ ૬૦૩૩ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયુ હતું. હવે તા.૧૯મી ફેબ્રુઆરીએ નગરપાલિકાઓની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. બીજીબાજુ, કોડિનાર નગરપાલિકા પર અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડના ભત્રીજા રણજીત બારડ, પીન્ટુ બારડ પર ટોળા દ્વારા હુમલો કરાયો હતો. આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો સામસામે આવી બાખડયા હતા. જેમાં સાત લોકોને ઇજા પહોંચી હતી. અમદાવાદ જિલ્લાની ધંધુકા, બાવળા અને સાણંદ નગરપાલિકાઓની ચૂંટણીને લઇ આજે અમદાવાદથી ખાસ ભાજપના સ્થાનિક નેતા રમેશભાઇ ગીડવાણી સહિતના સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ ખાસ આ નગરપાલિકાઓના મતદાનમથકે પહોંચ્યા હતા અને પબ્લીકનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આજની નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને તેમના સમર્થકો વચ્ચે તીવ્ર રસાકસી અને સ્પર્ધાનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડની ધરમપુર નગરપાલિકા ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ચકમક ઝરી હતી અને પોલીસને દરમ્યાનગીરી કરવી પડી હતી. આ અંગે રાજય ચૂંટણી આયોગના સંયુકત કમિશનર એ.એ.રામાનુજ, મુખ્ય ચૂંટણી સચિવ મહેશભાઇ જોષી અને મદદનીશ ચૂંટણી અધિકારી વી.એમ.પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાની ધંધુકા, બાવળા, સાણંદ સહિત રાજયની ૭૪ નગરપાલિકાઓની આજે ભારે ઉત્સાહભર્યા વાતાવરણમા ચૂંટણી યોજાઇ હતી.  એકંદરે શાંતિપૂર્ણ અને સ્વચ્છ માહોલમાં ચૂંટણી સંપન્ન થઇ હતી. એકાદ-બે છુટાછવાયા બનાવોને બાદ કરતાં મતદાન દરમ્યાન કોઇ અનિચ્છનીય ઘટના કે બનાવ નોંધાયો ન હતો. રાજયની ૭૪ નગરપાલિકાઓ સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઇ હતી. જેમાં છ નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે. રાજયની ૭૪ નગરપાલિકાઓ ૫૨૯ વોર્ડની ૨૦૬૪ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે હવે કુલ ૬૦૩૩ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના સમર્થિત ૧૯૩૪, કોંગ્રેસ સમર્થિત ૧૭૮૩, અપક્ષ ૧૭૯૩ અને અન્ય ૫૨૩ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ વખતની નગરપાલિકાઓની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઝંપાલવ્યું છે. રાજયના ૧૯ લાખથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજયભરમાં કુલ ૨૫૭૮થી વધુ મતદાન મથકો પર આજે નગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી. જે માટે આશરે ૨૪ હજારથી વધુનો પોલીંગ સ્ટાફ ચૂંટણી વ્યવસ્થામાં ખડકાયેલો રહ્યો હતો, તો, ૭૭ જેટલા ચૂંટણી અધિકારીઓ અને ૭૯ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓ પણ ખડેપગે સેવામાં તૈનાત રહ્યા હતા. મોડી રાત સુધી ઇવીએમ સીલ કરવાની અને સ્ટ્રોંગરૂમમાં ખસેડવાની કામગીરી ચાલી હતી.