3235

દેવાધિદેવ મહાદેવજીની ભક્તિ અને આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતા શહેર-જિલ્લાનાં શિવાલયો ભાવિક ભક્તોના હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ભગવાન ભોળાનાથ શંકરને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો આજે સોમવારથી પ્રારંભ થતા ભાવિકોની આસ્થા બેવડાઈ હતી. શ્રાવણ માસનો પ્રારંભ અને સોમવારના કારણે આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ શિવાલયોમાં ભાવિકો આસ્થાભેર પહોંચ્યા હતા અને મહાદેવજીની પૂજા-અર્ચના તથા દર્શ કરીને ધન્ય બન્યા હતા. આજે સવારથી રાત્રિ સુધી શિવાલયોમાં ભાવિકોની ભીડ રહેવા પામી હતી. શ્રાવણ માસ નિમિત્તે શહેરના શિવાલયોને આકર્ષક શણગાર કરવામાં આવેલ તેમજ સાંજના સમયે દિપમાળ આરતી કરવામાં આવેલ. શહેરના પ્રસિધ્ધ તખ્તેશ્વર મહાદેવ, નારેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ, થાપનાથ મહાદેવ, મહાકાલેશ્વર મંદિર, ભગવાનેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં સવારથી રાત્રિ સુધી ભાવિકોની ભીડ રહેવા પામી હતી. શ્રાવણ માસમાં અનેક ભાવિકો મહાદેવજીના દર્શન અને પૂજન કર્યા બાદ જ દૈનકિ કાર્યોમાં વ્યસ્ત થતા હોય છે અને શ્રધ્ધાળુઓ શ્રાવણ માસમાં આખો મહિનો વ્રત પણ કરતા હોય છે.