9111

ભાવેણાવાસીઓએ આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ઘરવેરો ભર્યો છે. પંદર દિવસમાં મહાપાલિકાને ઘરવેરા પેટે રૂા.ર૧.રપ લાખની આવક થવા પામી છે.
કામની વ્યસ્તતા અને મહાપાલિકા ખાતે લાંબી લાઈનો સાથે કિંમતી સમયનું બલીદાન ભાવેણાના લોકો માટે થોડુ મુશ્કેલ સાબીત થઈ રહ્યું છે. હાલ ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી ઘરવેરો વસુલવામાં આવી રહ્યો છે. ૧ એપ્રિલથી ૧પ એપ્રિલ સુધીમાં ૪૮ હજારથી વધુ કરદાતાઓએ કુલ ર૧.રપ લાખ રૂપિયાનો વેરો જેમાં પાણી વેરાનો પણ સમાવેશ થાય છે તે ભરપાઈ કર્યો છે. ગત વર્ષે માત્ર ર૯ ટકા જેટલા લોકોએ ઓનલાઈન વેરો ભર્યો હતો પરંતુ આ વર્ષના પ્રારંભે જ ૪૮ ટકા લોકોએ ઓનલાઈન વેરો ભર્યો છે. આ બાબત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે કરદાતાઓ જાગૃત બની રહ્યાં છે અને આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યાં છે. જેનું એક કારણ એવું પણ છે કે, મોબાઈલની મદદ વડે પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ખૂબ ઝડપી અને સરળતાપૂર્વક થઈ શકે છે.
મહાપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે અનેક સવલતો ઉપલબ્ધ કરાવી છે. જેમાં પ્રથમ એક માસમાં વેરો ભરપાઈ કરનાર કરદાતાઓને ૧૦ ટકા રીબેટ બીજા માસમાં વેરો ભરનારને પ ટકા રીબેટનો લાભ મળવાપાત્ર થનાર છે. ઉપરાંત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સાથે વેરો ભરનારને પણ રાહત આપવામાં આવી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર વેરાની નોટીસો પાઠવ્યા બાદ પ્રથમ બે માસમાં જ મોટાભાગની રીકવરી થતી હોય છે. આથી લોક ધસારાને પહોંચી વળવા માટે મુખ્ય કચેરી સાથે ઝોનલ ઓફિસો મળી કુલ ૧૯ કેશ કાઉન્ટર (બારીઓ) ખુલ્લી મુકવામાં આવી છે. તદ્દઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા, નાગરિક બેંક, બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ), યસબેંક તથા ઈન્ડસબેંક ખાતે પણ કરદાતાઓ વેરો ભરપાઈ કરી શકશે. આગામી ૧ જૂનથી ડીમાન્ડ નોટીસો ઈસ્યુ કરવામાં આવશે. 
ઘરવેરો-કારપેટ થિયરી મુજબ પાણી વેરા સાથેની કુલ રકમ છે. ૮૮.પ૦ કરોડ થાય છે. ઘરવેરા વસુલાત સાથે વેરા સંબંધી પ્રશ્નો સમસ્યાઓનું નિરાકરણ પણ કરવામાં આવી રહ્યું છે. કારપેટ વેરા પધ્ધતિ અનુસાર વેરા વસુલી માટેની પ્રક્રિયા તદ્દન સરળ બનાવવામાં આવી છે.