6244

વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લાનો સમાવેશ બીજા તબક્કામાં કરાયો છે. ત્યારે તારીખ ૮મી ડિસેમ્બરે કલોલ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરાયું છે. સ્વાભાવિક રીતે જ આ સભામાં જનમેદની એકત્ર કરવા માટે જિલ્લા સંગઠનને જવાબદારી સોંપવામાં આવી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઇ શાહે જણાવ્યું કે અમે ૩૦થી ૩૫ હજારથી વધુ જન સંખ્યા થવાની ગણતરી રાખી રહ્યાં છીએ. કલોલ શહેરમાં પંચવટી વિસ્તારમાં ગોપાલનગર તળાવ પાસેના મેદાનની પસંદગી જાહેરસભા માટે કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યુ હતું.જિલ્લામાં વડાપ્રધાનની બીજી જાહેરસભા યોજાશે. ગત તારીખ ૫મીએ ગાંધીનગર નજીક ભાટ ગામે પેજ પ્રમુખ સંમેલન યોજવામાં આવ્યુ હતું. હવે કલોલ શહેરમાં આયોજન કરાયું છે. તેમાં ગાંધીનગર ઉત્તર મત વિસ્તાર, ગાંધીનગર દક્ષિણ, દહેગામ અને માણસાની સાથે કલોલ મત વિસ્તારના કાર્યકરો અને લોકોને હાજર રાખવામાં આવશે. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પ્રત્યેક મતદાન મથક દિઠ ૨૦ લોકો ઓછામાં ઓછા હાજર રહે તે પ્રકારે પેજ પ્રમુખ અને શક્તિકેન્દ્રોના હોદ્દેદારોને કામે લગાડી દેવાયા છે. તેમાં સૌથી વધારે કલોલથી સૌથી વધારે ૧૫ હજાર લોકોને હાજર રાખવા કવાયત શરૂ કરાઇ છે.