4246

ખેતી અને પશુપાલન એ દેશના ઉત્તમ વ્યવસાય છે ત્યારે રાજ્યનું એક પણ ગામ સહકારી દૂધ મંડળી અને એક પણ જિલ્લો જિલ્લા સહકારી સંઘ વગર ન રહે તેવો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. તેવુ કૃષિ, પશુપાલન અને સહકાર મંત્રી બાબુભાઇ બોખિરીયાએ જણાવ્યું હતું. 
આજે ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ અભિવાદન સમારોહમાં શ્રેષ્ઠ પશુપાલકોને એવોર્ડ એનાયત કરતાં મંત્રી બોખિરીયાએ ઉમેર્યું કે, રાજ્યના પશુપાલકો ઉત્તમ પશુઓ રાખવા પ્રેરિત થાય તથા પશુપાલન વ્યવસાયમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને દૂધ ઉત્પાદનમાં વધારો કરે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ પગલાં લીધા છે. તેના પરિણામે ગુજરાત દૂધ ઉતપાદન ક્ષેત્રે મોખરે રહ્યું છે. જેના લીધે પશુપાલકોને પ્રોત્સાહિત કરવા આ એવોર્ડથી પશુપાલકોને સન્માનિત કરવામાં આવે છે. 
રાજ્યમાં પશુપાલન ઉદ્યોગ એ કૃષિનો પૂરક ઉદ્યોગ છે ત્યારે આ ઉદ્યોગ થકી વ્યાપક રોજગારીનું નિર્માણ થાય તે અમારી પ્રાથમિકતા છે. આ માટે મહિલાઓને વધુ પ્રાધાન્ય આપીને વૈજ્ઞાનિક ઢબે વ્યવસાય કરવા પ્રેરિત કરીએ.
આ માટે રાજ્યની વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમણે કહ્યું હતું. રાજ્યના પશુધન માટે સુદ્રઢ આરોગ્ય સવલતો મળી રહે તે માટે વેટરનરી ડૉકટરોની ભરતી પણ કરી દેવાઇ છે. સાથે સાથે સઘન રસીકરણની કામગીરી તથા પશુ આરોગ્ય મેળાના અભિયાન થકી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યમાં દસ ગામદીઠ એક પશુ દવાખાનાની સેવાઓ આપવા માટે આજ સુધી ૨૬૬ ટવીન મોબાઇલ પશુ દવાખાનાની સ્થાપના કરાઇ છે. 
સાથે સાથે આ વર્ષે ‘૧૦૮ એમ્બ્યુલન્સ સેવા’ ની માફક પશુઓ માટે પણ પ્રાયોગિક ધોરણે રાજ્યમાં ‘કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨’ ની સેવાઓ આગામી સમયમાં શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. રાજ્યમાં કૃત્રિમ બીજદાનનો વ્યાપ વધે અને સારી ઓલાદના પશુઓ મળી રહે તે માટે આગામી સમયમાં ત્રણ નવા ફોઝોન સીમેન સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. 
ગૌસેવા આયોગના ચેરમેન ડૉ. વલ્લભભાઇ કથિરીયાએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. તેમાં પશુપાલનનો વ્યવસાય પણ અનેરૂ યોગદાન આપશે એવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કૃષિ અને પશુપાલન થકી રોજગારીનું પ્રમાણ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. 
તેમાં યુવા મહિલાઓ પણ વૈજ્ઞાનિક ઢબે આ વ્યવસાય અપનાવે તે જરૂરી છે. ભૂતકાળમાં શ્વેતક્રાંતિ વખતે દૂધની નદીઓ વહેતી હતી તે રીતે ૨૧મી સદીમાં પણ સાચા અર્થમાં દૂધની નદીઓ વહે તે માટે રાજ્ય સરકારની યોજનાઓનો વધુને વધુ લાભ લેવા અપીલ કરી હતી. સાથે સાથે કુપોષણ રાષ્ટ્રના નિર્માણમાં પણ પશુપાલકો પ્રયાસો કરશે તો ચોક્કસ સારા પરિણામો મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.