8283

માણસા ખાતે ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઇડ સંધની રાજય રેલી કાર્યક્રમના સમાપન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિ, સેવાભાવના અને શિસ્તના ગુણો વધુ બલવતર બનશે, તેનો સીધો ફાયદો રાજય અને દેશને થશે. સ્કાઉટ ગાઇડ સંધ યુવાઓમાં સુસંસ્કારો અને સારા વિચારો સાથે સેવાભાવનાના વિકાસ માટે કાર્ય કરે છે. યુવાનોમાં નેતૃત્વ શક્તિના ગુણોનો વિકાસ થશે, તો જ દેશ વધુ સમૃઘ્‌ઘ બનશે. તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ પ્રસંગે યોજાયેલ છાવણી નિરીક્ષણ, ફીઝીકલ ડિસપ્લે, કેમ્પ ફાયર અને ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિવિધ જિલ્લાના સ્કાઉટ અને ગાઇડના બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્કાઉટ અને ગાઇડ બન્ને વિભાગમાં ભાવનગર જિલ્લાએ પ્રથમ સ્થાન હાંસલ કરવા બદલ નિતીનભાઇ પટેલે શિલ્ડ આપીને સન્માન કર્યું હતું. 
નિતીનભાઇ પટેલે પોલિયો રસીકરણ અભિયાનનો માણસા ખાતે પ્રારંભ કરાવી બાળકોને પોલિયોના બે ટીંપા પીવડાવ્યા હતા અને જણાવ્યું હતું કે, વર્ષ- ૨૦૦૭ ગુજરાત પોલિયો મુક્ત બન્યું છે. આજ દિન સુધી એક પણ પોલિયોનો કેસ નોંધાયો નથી. સમગ્ર રાજયમાં પોલિયો રસીકરણ અભિયાન હેઠળ ૯૦ લાખ બાળકોને પોલિયાના ટીંપા પીવડાવવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે. આ પ્રસંગે વિવિધ જિલ્લાના એક હજાર બાળકોએ ચાર દિવસ યોજાયેલ રાજય રેલીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.