9116

રિઝર્વ બેન્ક દ્વારા છેલ્લા એક સપ્તાહથી નાણાંની ઓછી ફાળવણી કરાતાં બેન્કો રોકડની તંગીનો સામનો કરી રહી છે. ત્યાં બે દિવસ જાહેર રજા આવતાં એટીએમમાં પણ નાણાંના દુકાળ જેવી સ્થિતિ સર્જાઇ છે. રવિવારે મહેસાણાના ૮૦ ટકા એટીએમ ખાલી જોવા મળ્યા હતા. ભાસ્કરની ટીમે મહેસાણા શહેરમાં અલગ અલગ ૩૧ એટીએમની ચકાસણી કરી હતી. જેમાં ૨૬ એટીએમ કેશલેસ જોવા મળ્યા હતા. તે પૈકી કેટલાક તો બંધ હાલતમાં જ હતા. જ્યારે બાકીના ખૂણાખાંચરે આવેલા એટીએમ માં મર્યાદિત કેશ નીકળતી હતી.
નાણાંની જરૂર પડતાં લોકો ખાતામાં બેલેન્સ હોવા છતાં એટીએમ લઇને એકથી બીજા એટીએમના ચક્કર કાપતાં હતા. કાળઝાળ ગરમી છતાં નાણાં ઉપાડવા ફાંફે ચડ્‌યા હતા. નોટબંધી જેવો માહોલ ફરીવાર ઊભો થયો છે. સોમવારે ઉઘડતા દિવસે આ સ્થિતિ વધુ વકરશે તેમ મનાય છે. પાકધિરાણ ઉપાડવાની રાહ જોઇને બેઠેલા ખેડૂતોનો બેંકોમાં ધસારો વધશે.
બીજીબાજુ, રોકડ તંગીના કારણે ઊંઝા, મહેસાણા, વિજાપુર, વિસનગર સહિતના મોટા ગંજબજારોમાં રોકડના અભાવે વેપારો પર અસર થવાની શક્યતા વેપારીવર્ગ વ્યક્ત કરી રહ્યો છે.