3396

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ૬૧મા જન્મદિવસનો આજે પ્રારંભ બનાસકાંઠાના અતિવૃષ્ટિ પ્રભાવિત નાણોદર ગામના ગ્રામજનો સાથે તેમની ખબરઅંતર પૂછીને અને આ અતિવૃષ્ટિમાં તેમને સરકારી તંત્ર દ્વારા મળેલ બચાવ રાહત-સહાયની વિગતો મેળવીને કર્યો હતો. 
અતિવૃષ્ટિથી પ્રભાવિત બનાસકાંઠા અને પાટણમાં રાહતકાર્યોના માર્ગદર્શન માટે પાંચ દિવસ પાલનપુરમાં જ રોકાણ કરી રહેલા વિજયભાઈ રૂપાણી આજે સવારે આ નાણોદરના ગ્રામજનો વચ્ચે પહોંચ્યા હતાં. તેમણે કહ્યું કે હું નરમાં નારાયણ જોઉ છું, તેથી મારો જન્મદિવસ આ આપત્તિગ્રસ્ત ગ્રામજનો વચ્ચે મનાવવાની મને તક મળી છે. 
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અતિવૃષ્ટિ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લામાં રાહત કાર્યોના નેતૃત્વ નિરીક્ષણ અને માર્ગદર્શન માટેના પાંચ દિવસના રોકાણના ચોથા દિવસે  આજે તેમના ૬૧મા જન્મદિને પૂર પીડિતો વચ્ચે રહીને સાદગીનું દૃષ્ટાંત આપ્યું હતું.
મુખ્યમંત્રીએ આજે પૂર પ્રભાવિતોની મુલાકાત લેતા પહેલા પાલનપુરના પલ્લવીયા પાર્શ્વનાથજી ભગવાનના દેરાસરમાં ધર્મપત્નિ  અંજલિબહેન સાથે ભક્તિભાવપૂર્વક દર્શન, આરતી તથા પૂજા અર્ચના કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.
આ ભક્તિભાવયુક્ત ઘડીએ મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લો પૂરના પરિણામોમાંથી ઝડપથી બહાર આવે તેવી શુભ કામના કરી હતી. મુખ્યમંત્રીએ ઉપાશ્રયમાં જઇને પરમ પૂજ્ય આચાર્યદેવ રાજતિલક સાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબને મળીને શુભાશિષ પ્રાપ્ત કર્યા હતાં. 
આ પ્રસંગે જૈન અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી અને ધર્મપત્ની અંજલિબહેનનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના જન્મદિવસ પ્રસંગે મુંબઈના અહિંસા સંઘ દ્વારા પૂરગ્રસ્તોને સહાય માટે રૂ. ૧૧,૧૧,૧૧૧ના દાનની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના જન્મદિવસના ઉપલક્ષમાં પાલનપુરના હીર વલ્લભ જૈન ગ્રુપ દ્વારા પૂરગ્રસ્તો માટે ૬૧૦ ધાબળા તથા અનાજ-વાસણની ૬૧૦ કીટ ભરેલા ટ્રકને મુખ્યમંત્રીના વરદ હસ્તે લીલી ઝંડી અપાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું.