629

ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે ભારે હોબાળો મચ્યો હતો. નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવા તત્કાલિન સરકાર દ્વારા નિમાયેલા એમ.બી. શાહ તપાસ પંચનો ૫૫૦૦ પાનાનો અહેવાલ ગુજરાત સરકારે આજે વિધાનસભામાં રજૂ કર્યો હતો. જે દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસે આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો જેના કારણે કોંગ્રેસના તમામ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઈ પટેલે એમ.બી. શાહ તપાસ પંચનો અહેવાલ રજૂ કર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ વિવિધ સૂત્રો લખેલા ગાઉન પહેરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
નીતિનભાઈ પટેલે અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે વિધાનસભાના સ્પીકરના ૨૩ માર્ચના પત્રના અનુસંધાને જસ્ટિસ શાહ કમિશનનો અહેવાલ વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો છે. સરકાર પ્રામાણિક અને પારદર્શક છે. ગુજરાતની પ્રજાથી અમારે કંઈ છૂપાવવાનું નથી. અહેવાલ અનુસાર કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી થયો. એમ.બી. શાહ તપાસ પંચના અહેવાલ પરથી સાબિત થઈ ગયું છે કે, તે સમયે કોંગ્રેસ દ્વારા રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર  મોદી પર લગાવાયેલા આરોપ તથ્યવિહિન અને રાજકીય હતા. તેમણે વિપક્ષ દ્વારા લગાવાયેલા તમામ આરોપોને પણ પાયાવિહોણા ગણાવ્યા હતા. વિપક્ષ દ્વારા સરકાર પર કરાયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવા એમ.બી. શાહ કમિશનની નિમણૂંક ૨૦૧૨ના રોજ કરવામાં આવી હતી.
આજે પહેલી બેઠકમાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ એમ.બી. શાહ કમિશનનો અહેવાલ જાહેર કરવાની માગ સાથે પ્લેકાર્ડ લઈને ગૃહમાં આવ્યા હતા, અને મૌન વિરોધ શરુ કર્યો હતો. જોકે, સરકારે અહેવાલે જાહેર કરી દેતા કોંગ્રેસના ધારાસભ્યો પાસે વિરોધ કરવાનો કોઈ મુદ્દો નહોતો રહ્યો. અહેવાલ રજૂ થઈ જતાં કોંગ્રેસે ગુરૂવારે અમિત શાહ દ્વારા વિધાનસભામાં કરાયેલા ભાષણનો વિરોધ શરુ કર્યો હતો, અને શાહ ગૃહની માફી માગે તેવી માગણી કરી હતી.
સ્પીકરની ટકોર છતાં કોંગ્રેસી ધારાસભ્યોએ વિરોધ ચાલુ રાખતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ દરમિયાનગીરી કરતા કોંગ્રેસ માત્ર રાજકીય લાભ ખાટવા પાયાવિહોણા આક્ષેપ કરી રહી છે તેમ બોલતા કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. સ્પીકરના આદેશ પર સાર્જન્ટો તમામ વિપક્ષી ધારાસભ્યોને ગૃહની બહાર લઈ ગયા હતા. ત્યાર બાદ સંસદીય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તમામ વિપક્ષી ધારાસભ્યોને આખો દિવસ સસ્પેન્ડ કરવા દરખાસ્ત મૂકી હતી, જેને સ્પીકરે માન્ય રાખી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દરમ્યાન ઉભા થઈને કહ્યું હતું કે, વિપક્ષના નેતાએ ગઈકાલે કહ્યું કે મારા મિત્ર નરેન્દ્રભાઈ સામે આક્ષેપોની તપાસનો રિપોર્ટ જાહેર કરીને તેમની પ્રમાણિકતા ઉપર શંકા દુર થવી જોઈએ. તે ધ્યાનમાં રાખીને આજે જસ્ટીસ શાહનો રિપોર્ટ જાહેર કર્યો છે. આખો દેશ નરેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ વ્યક્ત કરે છે. ત્યારે કોંગ્રેસનો ઈરાદો શાહ પંચના રિપોર્ટ જાહેર થાય તેમાં નહીં પણ નરેન્દ્રભાઈનો બદનામ કરવાનો છે.
મુખ્યમંત્રીના આ નિવેદનને પગલે કોંગ્રેસના કેટલાક સભ્યોએ વેલમાં ધસી આવીને બેસી જતા સાર્જન્ટોએ અધ્યક્ષના આદેશે તેમને બહાર કાઢ્યા હતા.