628

વિધાનસભામાં આજે સ્પીકરની ટકોર છતાં કોંગ્રેસી ધારાસભ્યોએ વિરોધ ચાલુ રાખતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ દરમિયાનગીરી કરતા કોંગ્રેસ માત્ર રાજકીય લાભ ખાટવા પાયાવિહોણા આક્ષેપ કરી રહી છે તેમ બોલતા કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. સ્પીકરના આદેશ પર સાર્જન્ટો તમામ વિપક્ષી ધારાસભ્યોને ગૃહની બહાર લઈ ગયા હતા. ત્યાર બાદ સંસદીય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તમામ વિપક્ષી ધારાસભ્યોને આખો દિવસ સસ્પેન્ડ કરવા દરખાસ્ત મૂકી હતી, જેને સ્પીકરે માન્ય રાખી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દરમ્યાન ઉભા થઈને કહ્યું હતું કે, વિપક્ષના નેતાએ ગઈકાલે કહ્યું કે મારા મિત્ર નરેન્દ્રભાઈ સામે આક્ષેપોની તપાસનો રિપોર્ટ જાહેર કરીને તેમની પ્રમાણિકતા ઉપર શંકા દુર થવી જોઈએ. તે ધ્યાનમાં રાખીને આજે જસ્ટીસ શાહનો રિપોર્ટ જાહેર કર્યો છે. આખો દેશ નરેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ વ્યક્ત કરે છે. ત્યારે કોંગ્રેસનો ઈરાદો શાહ પંચના રિપોર્ટ જાહેર થાય તેમાં નહીં પણ નરેન્દ્રભાઈનો બદનામ કરવાનો છે.
મુખ્યમંત્રીના આ નિવેદનને પગલે કોંગ્રેસના કેટલાક સભ્યોએ વેલમાં ધસી આવીને બેસી જતા સાર્જન્ટોએ અધ્યક્ષના આદેશે તેમને બહાર કાઢ્યા હતા.