627

તેરમી ગુજરાત વિધાનસભાના દશમાં સત્રની આજની બેઠકનો આરંભ સવારે ૮.૩૦ કલાકે થયો હતો. ગૃહ  ઓર્ડરમાં આવવાની સાથે નિતિનભાઈ પટેલે અધ્યક્ષની પરવાનગીથી એક અગત્યની જાહેરાત કરી હતી. એમ. બી. શાહ કમિશનના અહેવાલ આજે અધ્યક્ષના તેવીસમીના પત્રના અનુસંધાને કેબિનેટની મંજૂરી લઈને ગૃહના ટેબલ પર મુકવાની મંજૂરી માંગી હતી. આ સમયે કોંગ્રેસના સભ્યો પોતપોતાના સ્થાને ઉભા થઈને આ જ અહેવાલની માંગણી કરતાં બેનરો ગળામાં પરોવીને જનરલ ડાયર માફી માંગે એવા બેનરો પહેરીને પ્રદર્શન કરતાં નજરે ચઢયા હતા. ત્યારે અધ્યક્ષે તેમને અટકાવતા જણાવ્યું હતું કે તમારી પ્રથમ માંગણી પુરી કરી દેવામાં આવી છે. ગૃહ ઓર્ડરમાં આવશે પછી જ બીજી વાત તમારી સાથે થઈ શકશે. પરંતુ તેમ છતાં મૌન અવસ્થામાં ઉભા રહીને વિરોધ પ્રદર્શિત કરવાનું કોંગ્રેસ પક્ષના સભ્યોએ અખત્યાર કર્યું હતું. શોરબકોર વચ્ચે વારંવાર અધ્યક્ષે તમામ સભ્યોને સહકાર આપવા, પ્રદર્શન બંધ કરવા અને પોતાની પાટલી પર બેસી જવા અપીલ કરી હતી. 
પાંચ વખત વારંવાર આ પ્રમાણે અધ્યક્ષે સ્પષ્ટ કર્યું હતું કે ગૃહ ઓર્ડરમાં આવશે ત્યારબાદ જ અન્ય બાબત પર વિચારણા થઈ શકશે. તમારી વાત સાંભળવા હું સહમત છું પણ શિસ્તબધ્ધ રીતે ગૃહને ઓર્ડરમાં આવવા દો. આ સમયે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિલની ગેરહાજરી આંખે ઉડીને વળગતી હતી. પરંતુ આગળનો આદેશ નહીં હોવાથી દંડક બળવંતસિંહ રાજપુત બીજો કોઈ નિર્ણય લઈ શકયા ન હતા. ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અને નિતિનભાઈ પટેલની રજુઆતના પગલે વેલ તરફ ધસી આવતા કોંગ્રેસના સભ્યોને ગૃહમાંથી દૂર કરવા આદેશ કર્યો હતો જેના પગલે નારાબાજી કરી રહેલાં કોંગ્રેસના સભ્યો ગૃહમાંથી ચાલ્યા ગયા હતા. સાર્જન્ટોએ થોડો બળપ્રયોગ પણ કરવો પડયો હતો. 
ગૃહ ઓર્ડરમાં આવ્યા બાદ પ્રદિપસિંહ જાડેજાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કરીને કોંગ્રેસના સભ્યોના છેલ્લા દિવસોના વર્તનનું વર્ણન કરીને આજની બંન્ને બેઠકો માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી. જેને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટેકો આપ્યો હતો. તેમ છતાં અધ્યક્ષે સર્વાનુંમતે મતદાન મેળવીને આ નિર્ણયને જાહેર કર્યો હતો. ત્યારબાદ એજન્ડા મુજબ સરકારી વિધેયક ક્રમાંક ૧૩ ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતિય સુધારા વિધેયમ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રજુ કરેલ. ત્યારબાદ બાબુભાઈ બોખરીયાએ વિધેયક ક્રમાંક ૧૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયક ક્રમશઃ ગૃહમાં રજુ કર્યું હતું અને તેના પર હાજર ટ્રેજરી બેંચના સભ્યોએ પોતપોતાના નિવેદનો અને તરફેણ કરી હતી. અંતે બંન્ને મંત્રીઓએ ગૃહમાં વિસ્તાર પૂર્વક જવાબ આપીને સર્વાનુમતે આ બંન્ને વિધેયકો પસાર કર્યા હતા. 
બીજી બેઠક 
બીજી બેઠકનો આરંભ બપોરના ર.૩૦ કલાકે થયો હતો, ગૃહને ઓર્ડરમાં લઈને અધ્યક્ષે પ્રથમ પ્રશ્નોત્તરીકાળનો આરંભ કર્યો હતો. આજની પ્રશ્નોત્તરીમાં કુલ ર૦૧ પ્રશ્નો જવાબો સાથે પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા આ પ્રશ્નોત્તરીમાં મુખ્યત્વે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ, શ્રમ અને રોજગાર, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ અને વાહન વ્યવહાર વિભાગનો સમાવેશ થતો હતો. આજે કોંગ્રેસના સભ્યો ગૃહમા હાજર નહી હોવાથી તેમના પ્રશ્નો ગૃહમાં ચર્ચી શકાયા ન હતા. પુરક પ્રશ્નો સાથે ચર્ચવામાં આવેલા પ્રશ્નોના જવાબો મુખ્યત્વે કેબિનેટ મંત્રી આત્મારામ પટેલ, રાજયકક્ષાના મંત્રી કેશાજી ચૌહાણ, ડૉ. નિર્મલાબેન વાઘવાણી, દિપક ઠાકોર વગેરેએ આપ્યા હતા. આમ નિરસ પ્રશ્નોત્તરીકાળનો પણ અંત આવ્યો હતો. ત્યારબાદ બીજા ક્રમે મેજ પર મુકવાના કાગળો અને વિવિધ બોર્ડ નિગમોના અહેવાલો તથા ઓડીટર જનરલની ટીપ્પણ તેમજ કેગનો અહેવાલ મેજ પર મુકવામાં આવ્યા હતા ત્યારબાદ વિધાનસભાની સમિતિનો અહેવાલ સમિતિના પ્રમુખે ગૃહમાં રજુ કર્યો હતો. 
અંતે આજે વિધાનસભાનો છેલ્લો દિવસ હોવાથી નિયમ ૧૦ર મુજબ સભ્ય જગરૂપસિંહ રાજપુતનો પ્રસ્તાવ ગૃહમાં રજુ કરવામાં આવ્યો હતો અને તેના ઉપર ૬૦ મિનિટ સુધી ગૃહના તમામ સભ્યોએ પોતાના નિવેદનો રજુ કર્યા હતા અને સર્વાનુમતે આ પ્રસ્તાવ પણ રજુ કરવામાં આવ્યો હતો. આમ આજના દિવસનું કામકાજ પૂર્ણ થયું હતું.