724

 

 
ગારિયાધાર તાલુકાના માંડવી પ્રકરણમાં સાક્ષીએ કરેલ આત્મહત્યાના મુદ્દે અનેક રાજકિય પક્ષના આગેવાનો, પાસ કન્વીનરો માંડવી દોડી ગયા હતા અને સમગ્ર ઘટનાઓની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. માંડવી પ્રકરણે રાજકીય સ્વરૂપ ધારણ કરતા આઈ.જી., કલેક્ટર, એસ.પી., ડીવાયએસપી સહિતના માંડવી ગામે પહોંચ્યા હતા અને પરિવારજનોની માંગણીઓનો સ્વિકાર કરતા આજે ૧૦ દિવસ બાદ મૃતકની અંતિમવિધિ કરાશે તેમ જાણવા મળ્યું હતું.
ગારિયાધારના માંડવી ગામે સાક્ષીએ કરેલ આત્મહત્યાના ૧૦માં દિવસે ઘટનાએ નવો વળાંક લીધો હતો. માંડવી ગામે પહોંચેલા પાસ કન્વીનર હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, નરેશ ડાખરા, ભીખાભાઈ જાજડીયા, ગીતા પટેલ તેમજ પાટીદાર સમાજના આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષના સિધ્ધાર્થ પટેલ, એડવોકેટ બાબુભાઈ માંગુકિયાએ સમગ્ર ઘટનાની સીબીઆઈ દ્વારા તપાસ થાય તેવી માંગ કરી હતી. અનેક રાજકિય દાવપેચો દિવસભર ચાલ્યા બાદ ભાવનગર રેન્જ આઈ.જી. વિશ્વકર્મા, કલેક્ટર હર્ષદ પટેલ, એસ.પી. દિપાંકર ત્રિવેદી, ડીવાયએસપી મનિષ ઠાકર સહિતના અધિકારીઓ માંડવી ગામે પહોંચ્યા હતા અને પરિવારજનો તેમજ રાજકિય આગેવાનો સાથે વાટાઘાટ કરી ત્રણ માંગણીઓનો સ્વિકાર કર્યો હતો. જેમાં જવાબદાર સામે એફઆઈઆર દાખલ  કરવી, તપાસ, રેન્જ બહારના અધિકારીને સોંપવી તેમજ મહિલાની હત્યામાં ઝડપેલા આરોપીઓનો નારકો ટેસ્ટ કરવો, તંત્ર દ્વારા આ માંગણીઓનો સ્વિકાર કરતા આજે અનેક અટકળોના અંત બાદ ૧૦માં દિવસે મૃતક ધીરૂભાઈ પટેલની અંતિમવિધિ કરાશે.
છેલ્લા બે દિવસથી ચાલતા આ પ્રકરણમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યારે આવતીકાલે મૃતકનાં અંતિમ સંસ્કાર કરનાર હોય તેમાં પણ અન્ય જિલ્લાની પોલીસ બોલાવી ચુસ્ત બંદોબસ્ત તંત્ર દ્વારા જાળવવામાં આવશે. આ બનાવે છેલ્લા ૧૦ દિવસથી ભારે ચકચાર મચવા પામેલ છે.