640

યાત્રાધામ પાલીતાણામાં બેરોકટોક બાંધકામો અને દબાણો માટે પાલીતાણા નગરપાલિકા દ્વારા છુટો દોર મુકાયો હોય તેવું લાગી રહ્યું છે. મળતી વિગતો અનુસાર પાલીતાણામાં વોર્ડ નં.૯માં ઓમકારનગર પાસે ઉતાવળી નદીના નાળા પર વોર્ડ નં.૯ના નગરસેવક દ્વારા નાળુ દબાવી બે પાકી દુકાનનું બાંધકામ કરવામાં  આવેલ છે તેમજ નાની શાકમાર્કેટ પાસે જે નગરપાલિકા દ્વારા ઉકેરડો બનાવવામાં આવ્યો છે ત્યાં પણ તેમણે પોતાનું કેબીન મુકી અને દબાણ કર્યુ છે તેમજ વોર્ડ નં.૩ના પૂર્વ નગરસેવક દ્વારા મામલતદાર ઓફિસ સામે સત્તાના જોરે પોતાના બે કેબીન મુકીને નાળુ દબાવી દેવામાં આવ્યું છે તેમજ વોર્ડ નં.૭માં માર્કેટીંગ યાર્ડની બહાર જે રાજા સાહેબ વખતની જે કૂઈ છે તે પણ દબાવીને વોર્ડ નંબર ૭ના પૂર્વ મહિલા નગરસેવક દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને તળેટી વિસ્તારની વાત કરીએ તો નિયમોની એસી કે તેસી કરી સો ટકા બાંધકામ અને છ થી સાત માળની મંજુરી કે એસ્ટીમેન્ટ પ્લાન વગર પાલીતાણા નગરપાલિકાના સત્તાધીશોની મીલીભગતના કારણે બિલાડીના ટોપની માફક ફુટી નિકળ્યા છે ત્યારે શું આ યાત્રાધામમાં નિયમ મુજબ કામો થશે ખરા ? કોઈ સામાન્ય માણસ પોતાનું અને પોતાના પરિવારના પેટનો ખાડો પુરવા દુકાન કે કેબીનો દ્વારા જરા પણ વધારે હોય તો તેને તોડી પડાય છે અને મળતીયાઓને અને તળેટીમાંથી મલાઈ મળે તેને છુટો પરવાનો આપી દેવામાં આવે છે. આ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને તટસ્થ તપાસ કરે તો ઘણાને રેલા આવે તેમ છે ત્યારે એક કવિની પંક્તિ યાદ આવે છે દેવડીયે દંડાય છે ચોર મુઠી જારનો અને લાખ ખાડી લૂંટનારા મહેફીલે મંડાય છે મને એ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફુલડા ડૂબી જતાને પથ્થરો તરી જાય છે.
આ દબાણ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર બરાળને અનેકવાર રૂબરૂ તેમજ ટેલીફોન દ્વારા રજૂઆતો થઈ પણ આજ સુધી આ ગેરકાયદેસર બાંધકામ તેમજ દબાણ કરનારા પર કોઈ પગલા લેવાયા નથી. પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર પણ આવા દબાણકારોને ખુલ્લો દોર આપી રહ્યાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.