3033

ઘોઘા ગામે વર્ષો જુનો ખાદી ગ્રામ ઉદ્યોગ વર્ષોથી બંધ હાલતમાં છે. એક સમયે સેંકડો ગરીબોની આજીવિકાનું ઉત્તમ માધ્યમને સરકાર તથા જવાબદાર તંત્ર વિસરી ગયું હોય આ ઉદ્યોગને પુનઃ જીવીત કરવાનો આશાવાદ પૂર્વ કર્મચારીએ વ્યક્ત કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કાળનો ખાદી યુગ પુનઃ શરૂ થાય તેવી હિમાયત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાદીનો બહોળો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે વર્ષો પૂર્વે સમૃધ્ધિની સીમાએ પહોંચેલ ખાદી ઉદ્યોગ સાથે વર્ષો સુધી સંકળાયેલા વયોવૃધ્ધ મહાદેવભાઈ લેવાડેએ પોતાના જુના સ્મરણો તાજા કરી અત્રે આ ઉદ્યોગ પુનઃ જીવીત થાય તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. મહાદેવભાઈ ઘોઘા ગામે સોનીવાડામાં રહે છે અને હાલ ૭૪ વર્ષની વય ધરાવે છે. તેમના જણાવ્યા અનુસાર ૧૯૬૮ની સાલમાં ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારનો પ્રારંભ થયો હતો. એ કાળમાં બે પીંડલાવાળા ચરખાનું ચલણ હતું. એ વખતે ૧ હજાર તારની ૧ આંટી (સુતરની) બનાવવામાં આવતી જેનો આશરે ૬૦થી વધુ લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ ૧૯૭૪ની સાલમાં ૬ પીંડલાવાળા ચરખા શરૂ થયા અને ૩૦૦ વણકરો આ કાર્યમાં જોડાયા એ સમયે ર૦ પૈસા મજુરી ચુકવવામાં આવતી હતી. ૧૯૯૦માં ૮ પીંડલાવાળા ચરખા અમલમાં આવ્યા અને ૩૦૦ થી વધુ લોકો મજુરી કામમાં જોડાયેલા હતા. આ ખાદી ભંડારમાં લોકો સુતર કાંતવા ઘરે પણ લઈ જતા અને પ્રતિમાસ પ૦ હજારથી વધુ રકમનું ચુકવણું મજુરી અર્થે આપવામાં આવતું હતું. તૈયાર કરાયેલ સુતરની આંટી ગાંધી સ્મૃતિને મોકલવામાં આવતી હતી. એ સમયે ઘોઘા તાલુકામાં ૧૮૦૦ જેટલા ચરખા ધમધમતા હતા તેમજ ૧૯૯૪ની સાલમાં ર૦ પીંડલના ચરખા શરૂ કરાયા જે સાઈકલથી ચલાવવામાં આવતા હતા પરંતુ એ પ્રયોગ નિષ્ફળ ગયો હતો. એ સમયે એક આંટીથી સવા રૂપિયો મજુરી ચુકવવામાં આવતી. આ ગૃહ ઉદ્યોગ તળે ઘોઘાના ગુંદી, કોળીયાક, રતનપર, ભુંભલી સહિત અનેક ગામના વણકરો સુતર કાંતવાના કાપડ પણ તૈયાર કરવામાં આવતું હતું. આ ઉદ્યોગની એવી બોલબાલા હતી કે મુખ્ય સંચાલક મહાદેવભાઈ ઈન્દીરા ગાંધીને મળ્યા હતા અને ૧૯૭૪ની સાલમાં વડાપ્રધાને ઉદ્યોગનું નિરીક્ષણ કરી કેન્દ્ર તથા રાજ્ય સરકારે વિશેષ સહાય પણ આપી હતી. પરંતુ ર૦૦૪ની સાલમાં આધુનિક ટેકનોલોજીનો અભિગમ વધતા આ ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારને તાળા લાગ્યા છે અને ભવ્ય ઈતિહાસ ગુમનામીની ગર્તમાં ઓઝલ બન્યો હોવાનો નિસાસો વયોવૃધ્ધ નાખ્યો હતો.