3022

શહેરના સંસ્કાર મંડળ વિસ્તારમાં આવેલ ખોડીયાર પાનના ગલ્લે પાન ખાવા આવેલ યુવાન પર સાત શખ્સોએ પહેલા મને પાન આપી દે જેની યુવાને ના પાડતા અને પહેલા હું આવ્યો છું મને પાન મળવું જોઈએ તેવી બાબતે ઝઘડો થતા સાત શખ્સોએ યુવાનને ધોકા, પાઈપ વડે હુમલો કરી સાથે રહેલા અન્ય એકને પણ ઈજાઓ પહોંચાડી નાસી છુટ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના કાળીયાબીડ મારૂતિ યોગ આશ્રમ પાસે રહેતા લક્કીરાજસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા અને હાર્દિકસિંહ બન્ને મિત્રો સંસ્કાર મંડળ પાસે આવેલ ખોડીયાર પાનના ગલ્લે પાન ખાવા ગયા હતા. જ્યાં સંસ્કાર મંડળમાં પેરર ગેમ્સની દુકાન ધરાવતા જયરાજભાઈ, વનરાજભાઈ પાન ખાવા આવેલ અને દુકાનદારને પહેલા પાન બનાવી દેવાનું કહેતા જેની લક્કીરાજે ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા જયરાજભાઈ અને વનરાજભાઈ તેમજ અન્ય પાંચ અજાણ્યા શખ્સોએ હાર્દિકસિંહ અને લક્કીરાજસિંહને લોખંડના પાઈપ અને ધોકા વડે ઢોર માર મારી કપાળ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છુટ્યા હતા. ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે નિલમબાગ પોલીસે લક્કીરાજસિંહની ફરિયાદ લઈ વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.