3055

સૌરાષ્ટ્રના મહુવા શહેર નજીકના જાણીતા તલગાજરડા ગામના ચિત્રકુટ ધામ ખાતે પાંચ એવોર્ડની અર્પણવિધિ થશે. પૂ.મોરારિબાપુની સન્નિધિમાં આગામી તુલસી જયંતિ (શ્રાવણ સુદ-૭) તા.૩૦-૭-ર૦૧૭ને રવિવારના રોજ વાલ્મીકી, વ્યાસ, તુલસી એવોર્ડ સમિતિ દ્વારા વાલ્મીકી, વ્યાસ, તુલસી એવોર્ડ (ર૦૧૭)ની અર્પણવિધિ મોરારિબાપુ દ્વારા સવારના ૯ કલાકે વિદ્વાજનોની ઉપસ્થિતિમાં યોજાશે.
પ્રતિવર્ષ છેલ્લા સાત વર્ષની તુલસીદાસજી જન્મતિથિએ વાલ્મીકી રામાયણ, મહાભારત-ગીતા, પુરાણ, રામચરિતમાનસ તેમજ તુલસી સાહિત્યની કથા, ગાન, પ્રવચન, અધ્યયન અને સંશોધન-પ્રકાશનમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર દેશ-વિદેશના વિદ્યમાન વરિષ્ઠ વિદ્વાનો તેમજ સંસ્થાઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ-ર૦૧૭ના વર્ષ માટેના આ એવોર્ડ માટે ચયન સમિતિ દ્વારા વાલ્મીકી એવોર્ડ માટે ભારતીય વિદ્યાભવન (મુંબઈ), વ્યાસ એવોર્ડ માટે શાસ્ત્રી યોગેશભાઈ જે. મહેતા (અમદાવાદ), તુલસી એવોર્ડ માટે પ્રો. ફિલિપ લુટગેન્ડોફ (અમેરિકા), માનસરત્ન ક્રિષ્નાનંદ ત્રિપાઠી (વારાણસી) અને ત્રીજા એવોર્ડ રામકથાના સર્વ શ્રોતાજનોને અર્પણ કરી વંદના કરવામાં આવશે. એવોર્ડમાં દરેક વિદ્વાનોને સન્માનપત્ર, સુત્રમાલા, શાલ તેમજ રૂા. સવા લાખની સન્માન રાશિ અર્પણ કરીને વંદના કરવામાં આવશે.
તુલસી જયંતિની પૂર્વ સંધ્યાએ અહીં તા.ર૯ને શનિવારની સાંજે યોજાનાર સંગોષ્ઠિ વેળાએ પુરસ્કૃત થનાર વિદ્વાનો પોતાના વિચારની પ્રસ્તુતિ કરશે. ભગવત પ્રિત્યર્થે જેમણે જીવનભર કાર્ય કર્યુ છે તેવા પ્રબુધ્ધજનોની વંદનના આ અવસરમાં સહભાગી થવા હરિશ્ચંદ્ર જોશી દ્વારા જણાવાયું છે.