2946

સમગ્ર ભારત દેશ હાલ મંદી અને બેકારીના ભરડામાં હોમાઈ રહ્યું છે. રોજબરોજ મંદી અને બેકારીના કારણે મુંઝવણમાં આવેલા નવયુવાનો પરિવારને રેઢા મુકી આપઘાત કરે છે. નોટબંધી બાદ શહેરની બજારોના હાલ બેહાલ થઈ ગયા છે. હજુ તેનો વળ સરખો થયો નથી ત્યાં જીએસટી લાગુ કરવામાં આવ્યું છે અને શહેર સહિત ગુજરાતભરના વેપારીઓ રોડે ચડ્યા છે. રેલી, આવેદન, ચક્કાજામ સહિતના સરકાર વિરૂધ્ધ કાર્યક્રમો આપી રહ્યાં છે. જેમાં આજરોજ શહેરના એક વણીક વેપારીએ મંદી અને બેકારીના કારણે ગળાફાંસો ખાઈ જીવન ટુકાવી લીધાનો કિસ્સો સામે આવ્યો છે.
બનાવની મળતી વિગત મુજબ શહેરના સુભાષનગરમાં રહેતા અને મોટા ફળીયા, નાનભા શેરીમાં અનાજ, કરીયાણાની દુકાન ધરાવતા અશોકભાઈ મહાસુખભાઈ શાહ ઉ.વ.પ૭એ મંદી અને સ્ટોકના કારણે મુંઝવણમાં આવી જઈ નાનભા શેરીમાં આવેલ બહુચર માતાના મઢમાં આવેલ દાદરમાં દોરી હુક વડે બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધોે હતો. બનાવની જાણ થતા વેપારી આલમમાં ચક્ચાર ફેલાઈ જવા પામી હતી અને પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ મૃતક વેપારીની લટકી લાશને નીચે ઉતારી તલાશી લેતા તેના ખીસ્સામાંથી સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં મંદી અને સ્ટોકના કારણે આપઘાત કર્યો હોવાનું અને પરિવારજનો, મિત્રોનો કોઈ દોષ ન હોવાનું અને ખુદ જ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે જરૂરી કેસ કાગળો કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.