2622

બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આજે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામભાઈ પરમારની ઉપસ્થિતિમાં ‘‘બાંધકામ શ્રમયોગી સંમેલન’’ યોજાયું હતુ.
આ પ્રસંગે મંત્રી આત્મારામભાઈ પરમારે જણાવ્યું હતુ કે, રાજ્યના છેવાડાના માનવીના આર્થિક વિકાસની સાથે તેનો સામાજીક વિકાસ પણ થાય અને સરકારની યોજનાઓ થકી પ્રત્યેક પરિવાર સમૃધ્ધિની દિશામાં આગળ વધે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. 
તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યમાં બાંધકામ પ્રવૃત્તિ સાથે જોડાયેલા પરિવારો આર્થિક રીતે સમૃધ્ધ બને સાથો - સાથ આ પરિવારોના દિકરા - દિકરીઓ ભણી - ગણી, ઉચ્ચ શિક્ષણ મેળવી વિકાસની દિશામાં આગળ વધે તે માટે રાજ્ય સરકારે શ્રમયોગીઓ માટે ૨૭ જેટલી યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે સરકારશ્રીની આવી  લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રત્યેક શ્રમયોગી પરીવારોએ લઈને સમાજના અન્ય પરીવારો સુધી આ લાભ પહોંચે તે માટેના સંદેશા વાહક પણ બનવું પડશે.
આ પ્રસંગે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન ડો. અનિલ પટેલે વક્તવ્ય આપતા જણાવ્યું હતુ કે, શ્રમયોગીઓના પરસેવાની કિંમત સરકાર સમજે છે, અને આ માટે જ સરકારે શ્રમયોગીઓને સીધો જ લાભ મળે તે માટે અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. જેના પરિણામે આજે વચેટીયાઓ દૂર થયા છે 
ગરીબ કલ્યાણ વર્ષ નિમિત્તે ગઢડા ખાતે યોજાયેલ આ શ્રમયોગી સંમેલનમાં વિવિધ યોજનાના ૪૧૯ જેટલા શ્રમિક લાભાર્થીઓને અંદાજીત રૂપિયા ૨૨.૯૪ લાખની સહાયના ચેકો તથા શ્રમિક ઓળખકાર્યનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે જિલ્લા કલેકટર સુજીત કુમાર, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વાઘેલા, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ - બોટાદના મીનાક્ષીબેન મહેતા, અગ્રણીઓ રાજુભાઈ, મહેશભાઈ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં બાંધકામ ક્ષેત્રના શ્રમયોગી ભાઈ - બહેનો ઉપસ્થિત રહયાં હતા.