2069

શહેરની મધ્યમાં આવેલ જવાહર મેદાન (ગધેડીયા ફિલ્ડ) તંત્રની નિષ્કાળજીનો ભોગ બન્યું છે. સરકારી કાર્યક્રમો ટાણે મેદાન ફરતે આવેલા દબાણો હટાવવામાં આવે છે. બાકી રામભરોસે ! હાલમાં રબ્બર ફેક્ટરીથી તખ્તેશ્વર ચોકી સુધીની લોખંડની ગ્રીલ તો અગાઉ આવારા તત્વોએ તોડી નાખેલી જ્યારે હવે તો પીલોર પણ તોડી નખાયા છે. 
ભાવનગર શહેરની વચોવચ આવેલા જવાહર મેદાનની રખરખાવટ ભાવનગર મહાપાલિકાના શિરે છે તથા તખ્તેશ્વર પોલીસ ચોકી સહિતનો કેટલોક હિસ્સો રેલ્વેની માલિકીનો છે. તંત્રએ મેદાનને સુરક્ષિત રાખવા માટે મેદાન ફરતી દિવાલ ગ્રીલ સાથે બનાવી હતી. આ કામગીરી કર્યા બાદ પોતાની જવાબદારી પૂર્ણ થયાનું માની નિશ્ચિત બન્યું હતું. પરંતુ સમયાંતરે તપાસ તથા રક્ષણના અભાવે અસામાજીક તત્વો મોટાભાગની ગ્રીલ તોડી ઉઠાવી ગયા છે અને માત્ર પિલોર બચ્યા હતા જે પણ આવારા તત્વોએ તોડી નાખ્યા છે. શહેરમાં જ્યારે-જ્યારે સરકારી કાર્યક્રમોનું આયોજન અત્રે કરવામાં આવે એ દરમ્યાન તંત્ર દ્વારા મેદાન ફરતે આવેલી ઝુપડપટ્ટી સહિતના દબાણો હટાવી સાફ સફાઈ કરે છે અને કાર્યક્રમ પૂર્ણ થયે બધુ વિસરી જવાય છે. નિયમિત સફાઈ સાથે કાયમી ધોરણે જાળવણી કરવામાં લોકઆકર્ષણનું કેન્દ્ર સાથોસાથ બહુહેતુ ઉપયોગી બની શકે તેમ છે.
આગામી તા.૭મીના રોજ જવાહર મેદાનમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાનાર હોય ફરતી ઝુપડપટ્ટી સહિત દબાણો હટાવાયા છે ત્યારે રબ્બર ફેક્ટરીથી તખ્તેશ્વર ચોકી સુધીની બનાવાયેલી વંડીની લોખંડની ગ્રીલની સાથોસાથ અસામાજીક તત્વોએ પિલોર પર તોડી નાખ્યા છે.