2223

શહેરના તળાજા રોડ કાચના મંદિર સામે આવેલ વન વિભાગના કવાર્ટરમાંથી ધોળા દિવસે રોકડ દાગીના મળી પોણા લાખની ચોરી થયાનો બનાવ બનવા પામ્યો છે. બનાવ અંગેની ફરિયાદ ભરતનગર પોલીસમાં નોંધાતા પોલીસે ચાર શકમંદોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ શહેરના તળાજા રોડ કાચના મંદિર સામે આવેલ વન વિભાગના કવાર્ટરમાં રહેતા દેવજીભાઈ પોપટભાઈ વાઘેલા ગત મંગળવારે પરિવાર સાથે વેળાવદર ભાલ કામ સબબ ગયા હતા. તે વેળાએ બંધ કવાર્ટરનું દરવાજાનું પાટીશન તોડી કોઈ અજાણ્યા ઈસમોએ ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા રોકડ રૂા.૩પ હજાર અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૭૦ હજારની ચોરી કરી નાસી છુટયા હતા. બનાવ અંગેની જાણ દેવજીભાઈએ ભરતનગર પોલીસમાં કરતા પોલીસે દેવજીભાઈની ફરિયાદ નોંધી કવાર્ટરમાં ચાલતા કલરકામમાં કામ કરતા ગણેશ રામબલી અને બે અજાણ્યા શખ્સોને શંકાના આધારે ઉઠાવી લીધા છે. અને ચારેયની સઘન પુછપરછ હાથ ધરી હતી.