2039

શહેરના ભરતનગરની પાછળ રીંગરોડ પર આવેલ માધવ રેસીડેન્સીમાંથી એલસીબી અને એસઓજી ટીમે નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપી લીધું હતું અને પકડાયેલ ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવ્યા હતા. રીમાન્ડ દરમ્યાન પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા ભરૂચના શખ્સનું નામ ખુલતા પોલીસે ભરૂચ જઈ રૂા.૧.પ૦ લાખની નોટો સાથે એક શખ્સને ઝડપી લીધો છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ભરતનગરની પાછળ માધવ રેસીડેન્સીમાંથી પ૦૦-ર૦૦૦ની નકલી નોટો છાપતા હાર્દિક વાઘેલા, સુરેશ આડેસરા અને  પ્રદિપ વાઘેલાને પ્રિન્ટર, કાગળો સહિતનાં મુદ્દામાલ સાથે એલસીબી અને એસઓજી ટીમે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી તા.૧ જૂન સુધીના રીમાન્ડ મેળવ્યા હતા. રીમાન્ડ દરમ્યાન હાર્દિક વાઘેલાની પૂછપરછ કરતા તેણે રૂા.ર લાખ નકલી નોટો ભરૂચ ખાતે રહેતા રાણા ઉર્ફે રાજુ ભરવાડને આપ્યાની કબુલાત કરતા ભાવનગર એસઓજીના ઈન્ચાર્જ પીએસઆઈ ચુડાસમા અને સ્ટાફે ભરૂચ ગામે દોડી જઈ રાણા ઉર્ફે રાજુ કરશનભાઈ બોળીયાને રૂા.૧ લાખ પર હજારની નકલી નોટો સાથે ઝડપી લીધો છે. હાર્દિક વાઘેલાએ ર લાખની નકલી નોટો રૂા.૬૭ હજારમાં આપી હતી. જ્યારે હાર્દિક વાઘેલાની નકલી નોટો સાથે ધરપકડની જાણ રાજુ બોળીયાને થતા તેણે આશરે પ૦ હજારની નકલી નોટો નર્મદા નદીમાં નાખી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રાજુ બોળીયાની ધોરણસર ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.