870

ભાવનગરના જવાહર મેદાન ખાતે ગુજરાત પોલો ઈવેન્ટના અંતિમ દિવસે ચિક્કાર માનવ મેદની વચ્ચે બોલીવુડ સ્ટાર સૈફઅલીખાન તથા ક્રિતી સેનન સહિતના કલાકારોએ હાજર રહી પ્રક્ષકોનું ભરપુર મનોરંજન કરી સમગ્ર ઈવેન્ટને ચાર ચાંદ લગાવ્યા હતા.
ગુજરાત પોલો ઈવેન્ટના ત્રીજા અને અંતિમ દિવસે સવારથી જ પ્રેક્ષકોએ ટીકીટ માટે ભારે ભીડ જમાવી હતી. આજે ફાઈનલ મેચ હોય અને ભાવનગરના આંગણે બોલીવુડ એક્ટર તથા પોલો ગેમના ખેલાડી સૈફઅલીખાન આપવાનો હોય લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. સાંજે ૬ વાગે સમગ્ર કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં એન્કર આર.જે. મેઘાએ પોતાની એન્કર સ્પીચની અદાથી લોકોના દિલ જીતી લીધા હતા અને એક બાદ એક આઈટમો રજૂ કરી પ્રેક્ષકોનું ભરપુર મનોરંજન કર્યુ હતું. આજની મેચનું લાઈવ પ્રસારણ નેશનલ સ્પોર્ટ ચેનલ દ્વારા થઈ રહ્યું હોય વિશ્વભરમાં વસતા પોલો ગેમના ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ફાઈનલ મેચમાં સમગ્ર ગ્રાઉન્ડ દર્શકોથી ખીચોખીચ ભરાયું હતું. આશરે ૧૦ હજારથી વધુ પ્રેક્ષકોએ લાઈવ મેચ નિહાળી પોલો ગેમમાં નવો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો. ત્યારબાદ બોલીવુડની સિને સુંદરી ક્રિતી સેનનએ અશ્વ પર સવારી કરી ગ્રાઉન્ડમાં આવી દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું કે, મારી  ફિલ્મી કેરીયરમાં સૌપ્રથમવાર હું આવી મેચમાં લાઈવ પરફોર્મન્સ કરી રહી છું. આટલા બધા પ્રેક્ષકો નિહાળી હું રોમાંચીત થઈ છું.
ત્યારબાદ નવાબ સૈફઅલીખાનએ ઓપન જીપ્સી કારમાં ભવ્ય એન્ટ્રી કરી હતી અને ગ્રાઉન્ડ પર ચક્કર લગાવી ઓટોગ્રાફવાળા ટેનીસ બોલ દર્શકોને આપી અભિવાદન ઝીલ્યું હતું. આજની ઈવેન્ટમાં મુખ્ય આયોજક ચિરાગ પારેખ તથા તેની પુત્રીએ ગેમમાં પાર્ટીસિપેટ કરી ભાવેણાનું ગૌરવ વધાર્યુ હતું. આજની ઈવેન્ટમાં પ્રેક્ષકોની આટલી વિશાળ હાજરીએ આયોજકોને અચંબિત કર્યા હતા. કારણ કે અત્યાર સુધીમાં યોજાયેલી એક પણ મેચમાં આટલા પ્રેક્ષકોએ લાઈવ મેચ નિહાળી હોય એવો સૌપ્રથમ બનાવ છે. આયોજકોના જણાવ્યા અનુસાર ગ્રાઉન્ડ પર ૧૦ હજાર પ્રેક્ષકોની ક્ષમતા છે પરંતુ બેઠક વ્યવસ્થા કરતા પણ વધુ દર્શકો મેચ નિહાળવા આવ્યા હતા. લોકોએ મેચ તથા પોતાના મનપસંદ સિને સ્ટારને નિહાળવા એક ઝલક મેળવવા કલાકો સુધી ઉભા રહેવાનું પણ પસંદ કર્યુ હતું. સ્ટાર્સનો આપવામાં આવેલ હોટલ ઉતારા પર પણ મોટીસંખ્યામાં ચાહક વર્ગે ભીડ જમાવી હતી.
રસાકસી ભરેલ ફાઈનલ રાઉન્ડ ઈસ્કોન હેમવિજય સ્ટેલીઓન અને આઈપીસીએલ ઈમોરટાલ વચ્ચે યોજાઈ હતી. જેમાં ઈસ્કોનનો વિજય થયો હતો. વિજેતા ઇસ્કોન ટીમને આયોજક ચિરાગ પારેખ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, યુવરાજ જયવિરરાજસિંહ, ડીવાયએસપી મનિષ ઠાકર સહિતના હસ્તે વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અંતમાં સમગ્ર દર્શકો વ્યવસ્થા વિભાગ તેમજ તમામ તંત્ર અને પ્રેક્ષકોનો આભાર માનતા આયોજકો ચિરાગ પારેખે જણાવ્યું કે, હવે પછી વધુ સારી અને ભવ્ય ઈવેન્ટ ભાવેણાવાસીઓ સામે રજૂ કરીશું.

છેલ્લા દિવસનું પરિણામ
ત્રીજા દિવસની ફાઈનલ મેચમાં સૌપ્રથમ રાઉન્ડ ઈસ્કોન હેમવિજય વીથ આઈપીસીએલ જેનો સ્કોર-૯, ૭ સાથે ઈસ્કોન હેમવિજય વિજય 
રનર્સઅપ - આઈપીસીએલ
સેકન્ડ રનર્સઅપ, કાઉબોય
તથા મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી શમશેરઅલી જાહેર થયા.

મોબાઈલની ફ્લેશ લાઈટથી નયનરમ્ય નઝારો
બે મેચ વચ્ચે યોજાતા બ્રેક દરમ્યાન સ્ટેજ સંચાલક આર.જે. મેઘાએ ઉપસ્થિત સર્વ પ્રેક્ષકોને પોતાના મોબાઈલ (એન્ડ્રોઈડ)માં ફ્લેશ ઓન કરી ફોટો ક્લીક કરવા જણાવ્યું હતું. જેમાં એક સાથે સેંકડો પ્રેક્ષકોએ મોબાઈલ ફોન ઉચા કરી ફ્લેશ લાઈટ ઓન કરતા ઉપસ્થિત લોકો આ નઝારો નિહાળી આફરીન બન્યા હતા અને હજારોની સંખ્યામાં ધડાધડ ફોટા ક્લિક થયા હતા.