2577

ભાવનગરમાં છેલ્લા ૩ર વર્ષથી ચાલી આવતી પરંપરા અનુસાર આ વર્ષે પણ ભારે હર્ષોલ્લાસભેર ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી તા.રપ-૬ને રવિવારે પરંપરાગત રીતે યોજાશે. જે અન્વયે રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.
ભાવનગરના આંગણે સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩ર વર્ષથી દેશની ત્રીજા નંબરની અને સમગ્ર ગુજરાતમાં બીજા નંબરની ભવ્ય રથયાત્રાનું આયોજન અષાઢ સુદ બીજને રવિવાર તા.રપ-૬ના રોજ સવારે ૮ કલાકે શહેરના સુભાષનગર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરેથી પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થશે. રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયાના જણાવ્યા અનુસાર આ વર્ષે પણ રાસ મંડળીઓ, ચાર અખાડા, વિવિધ ફ્લોટ, હાથી, ઘોડા, ટ્રક તથા અન્ય વાહનો સાથે ડી.જે. સાઉન્ડ સામેલ થશે.
સુભાષનગર ભગવાન જગન્નાથજી મંદિર ખાતે સવારે ૮ કલાકે ભાવનગરના મહારાજા તથા યુવરાજના હસ્તે છેડાપૌરા વિધિ, પહિન્દ વિવિધ બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે. જેમાં કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા, સાંસદ ભારતીબેન શિયાળ, મંત્રી પરશોત્તમભાઈ સોલંકી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મેયર નિમુબેન બાંભણીયા સહિતના રાજકિય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તથા શહેરની જનતા ઉપસ્થિત રહેશે. રથયાત્રા અન્વયે ત્રણ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લોક કસુંબલ ડાયરાનું આયોજન પણ રથયાત્રા પૂર્વે યોજવામાં આવ્યું છે. આ રથયાત્રા અંગે અંતિમ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.