1516

સકલ લોકહિતકારી અને જંગ પાવની ગંગા સમાન માનસ કથાના આજના સમાપનના દિવસે બાપુએ કહ્યું કોઈ આદેશ કે ઉપદેશ નહીં પણ સંવાદી ચર્ચામાં રૂપમાં ચાલતી આ કથા આજે વિરામ પામે છે ત્યારે વાસજીએ કથા માટે પ્રયોજેલા ચાર શબ્દો વિશે જણાવ્યું કે આખ્યાન, ઉપાખ્યાન, પુરાણ કથાઓ અને ઈતિહાસ એ ચારેને એક શબ્દમાં મહાભારતકાર કથા કહે છે.
બાપુએ કહ્યું કે, સાધુુ અસંગ હોય, પણ એ કોઈનો હાથ પકડે તો કદી છોડે નહીં પણ શરણાગતિ અચલ રાખવી. જો શરણાગતિ પૂર્ણ ન હોય તો સાધુની સમતા તો રહે પણ મમતા ન મરે. કેવટ પ્રસંગને યાદ કરતા બાપુએ કહ્યું કે પરમાત્માને હાથ પકડતા જ આવડે છે. પછી છોડતા નથી આવડતું. સદગુરૂ આપણો હાથ છોડતા નથી, આપણે પ્રતિષ્ઠા કે સ્વાર્થ માટે કદાચ એનો હાથ છોડી દઈએ છીએ !
ઈસ્લામમાં શયતાનની એક વ્યાખ્યા એ છે કે જે કોઈ પર થોડો અહેસાન કરે અથવા કાંઈ ન કર્યુ હોય છતાં ફળ ઈચાછે તે શયતાનનું લક્ષણ છે. જે નેકી નથી કરતો તે શયતાન છે. કોઈ માટે પોતે કાંઈ કર્યુ હોય તો ફળની આશા ન રાખવી અને નેક કામ કરવા. નેક કામ ન કરી શકો તો કાંઈ નહીં કોઈ રાજકારણીની પડખે ચડી જઈને કોઈ નેક કામમાં અડચણરૂપ નહીં બનતા. આ શયતાની વૃત્તિથી બહાર નિકળતો. ત્રીજી શયતાનની વ્યાખ્યા જે ચોરી, હિંસા, વ્યભિચાર અને મદ્યપાન કરે તેને શયતાન કહેવાય.
ઈસ્લામ ધર્મમાં નિસ્સાર (સાર હિન) પ્રવૃત્તિને શયતાની કર્મ કહ્યું છે. સાધુ ન થવાય તો કાંઈ નહીં, શયતાન ન બનીએ એનું ધ્યાન રાખીએ. ઈન્સાનિયત જાળવીએ. આપણે આપણી નબળાઈઓને, મર્યાદાઓને ઓળખવાની છે અને પછી એ ખાડા પ્રભુકૃપાથી પુરવાના છે. સાધુ બે કામ કરે સ્થાયે અને ઉથાપે. સાધુ સંસ્થા સ્થાપે પણ ખરો અને યોગ્ય લાગે ત્યારે ઉથાપી પણ નાખે. ગંગા સતિ કહે છે - ‘વચને સ્થાપવું અને વચને ઉથાપવું અને કરવા સાધુના કામ’ જેના કુટુંબમાં ભક્તિ અને નિર્દોષ ભાવે સત્સંગ થતો હોય તેના પિતૃઓ નૃત્ય કરે છે.
કથા પ્રસંગમાં જતા બાપુએ રામ-સીતાના લગ્ન પછી અયોધ્યા કાંડના પ્રારંભમાં જ તુલસીજી કહે છે. અતિ સમૃધ્ધિ રામવનવાસનો પ્રસંગ જ સર્જે. અતિ સમૃધ્ધિ આવે સાથોસાથ સમજણ વધતી જાય તો વાંધો ન આવે. સમૃધ્ધિ વધે એટલે તરંગો થાય જ છે પણ જેના હાથમાં બૌધ્ધિક, ભૌતિક, રાજકિય અને પ્રતિષ્ઠારૂપી સંપદા વધે એના પહેલા એને કૃષ્ણાર્પણ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. અયોધ્યાની સમૃધ્ધિ વધી એટલે આપત્તિ આવી. દેવતાઓના નાનકડા સ્વાર્થે રામરાજ્ય બનતું અટકાવ્યું છે. આપણે આવા મંથરાતત્વની, કૈકયીકાર્યથી બચવું જોઈએ.
રામ જેવા રામને પણ વનગમન કરવું પડ્યું તો આપણું તો શું ગજું ? તેથી સુખ-દુઃખ મનમાં આણીએ એવું બાપુએ રામવનવાસના પ્રસંગ દરમ્યાન જણાવ્યુ. રામનો ચિત્રકુટધામ, દશરથજીનું દેહાવસના, ભરતને સત્તા આપવાની વાત થઈ ત્યારે ભરતે કહ્યું કે તે સત્તાનો નહીં પણ સતનો માણસ છે. પોતે પદની નહીં, પાદુકાની ઈચ્છા રાખનારો છે. ચિત્રકુટમાં રામ-ભરત મિલનથી બે એક માણસે કોઈ નિર્ણય ટાળવો નહીં, વિવેક અને વિચારથી નિર્ણય કરી લેવો અને ખોટો નિર્ણય હોય તો તરત સુધારી લેવો. બીજું, સમાજને ખોટા વચન ન આપવા વાયદા આપવા તો તે પુરા કરવા.
કથાના ક્રમમાં ભરતચરિત્ર સાથે અયોધ્યાકાંડ પૂર્ણ કરી, અરણ્યકાંડને સંક્ષેપમાં સમજાવ્યો. પંચવટીમાં પ્રભુનો વાસ, લક્ષ્મણની વિશેષ જાગૃતિ પછી સાધનામાં વિઘ્ન કરવા આવેલી શૂર્પણખાની ઘટના, રાગદ્વેષરૂપી ખર-દુષણનો નાશ, સીતાહરણ, સીતા શોધ, જટાયુ નિર્વાણ, શરબી નિધન, નારદને ભગવાને સમજાવેલા સાધુના લક્ષણો સાથે અરણ્યકાંડ પૂર્ણ કર્યો. મારે મારા શ્રોતાઓને વ્યાસપીઠથી દુર નથી થવા દેવા એટલે હું મારા શ્રોતાઓને યાદ કહું છું, ક્યારેક સાહેબ કહું છું, બાપ કહું છું. આ મારી શ્રોતાઓ તરફથી મહોબ્બત છે.
પવનપુત્ર જેવો ગુરૂ મળી જાય તો સુગ્રીવ જેવો કામી પણ પ્રભુને પામી શકે. એવું કિષ્કીંધા કાંડના પ્રારંભે બાપુએ જણાવ્યું. બાપુએ કહ્યું કે, યુવાનોએ વડિલોના માર્ગદર્શનમાં સમાજના કાર્યો કરવા જોઈએ. સુંદરકાંડની સંક્ષેપમાં ચર્ચા કરી ભગવાન રામેશ્વરની જય બોલાવી અંતે લંકાકાંડમાં રાવણને નિર્વાણ આપી, ઉત્તરકાંડમાં ભગવાન રામ અયોધ્યા પરત ફરે છે એ બધી ઘટનાઓના ઉલ્લેખ સાથે પૂ.બાપુએ રામકથાનું સમાપન કર્યું.
અયોધ્યામાં પ્રવેશ પછી ભગવાન રામ સૌથી પહેલા કૈકયીને પગે લાગે છે. કથા સાંભળ્યા પછી દુશ્મની ખતમ કરવા બાપુએ અપીલ કરી. રામનો રાજ્યાભિષેક કરતા બાપુએ કહ્યું કે રામ રાજ્ય એટલે સત્ય, પ્રેમ અને કરૂણાનું રાજ્ય.
રામ હનુમાન સિવાય દરેકને વિદાય આપતા કહે છે કે, તમે મારી સાથે રહીને તમારા નગરને યાદ કરો એના કરતા તમારા નગરમાં રહીને મને યાદ કરો એ વધારે સારૂ છે. ભગવાને હનુમાનને અજર અમર રાખ્યા છે. હનુમાનજીએ શરત કરી છે કે જ્યાં સુધી ધરતી પર રામકથા થતી રહેશે ત્યાં સુધી પોતે  ધરતી પર વિદ્યમાન રહેશે.
તુલસીજીએ સંવાદની કથા લખી છે. સીતાના પૂનઃ ત્યાગની વિવાદ કથા તુલસી લખતા નથી. રામકથાને વિરામ આપતા તુલસી કહે છે કે રામને સ્મરણો, રામને ગાવ અને રામને સાંભળો આ ત્રણ જ કામ કરો. રામ એટલે સત્ય, રામને ગાવો એટલે પ્રેમ અને રામને સાંભળવા એટલે કરૂણા. જેની લવલેશ કૃપાથી તુલસી પરમ વિશ્રામ પામે છે. બાપુએ આજે પોતાના પ્રેમઘાટથી આજે પોતાની કથાને વિરામ આપતા કહ્યું કે, પાંચ કથાના ઝુમખામાં હનુમાન, રામ, શિવ, ભરત, સીતા અને ભુસંડીની આ પંચ કથામાં રામની કથા મંગલ કરે, ભરત કથા ભવબંધનથી મુક્ત કરે, સીતાની કથા વૈધ્ય આપે, સંત કથા પવિત્તરતા આપે, હનુમાનની કથા નિરંતર આપણી નામનિષ્ઠા વધારે એવી શ્રેષ્ઠ અને સદ્યપરિણામ આપનારી કથાનું આપણે સમાપન કરીએ છીએ.