1683

રાજ્ય સરકારે તમામ આત્મનિર્ભર શાળાઓમાં ફીનું ધોરણ વ્યાજબી અને એક સમાન રાખવાનો નિર્ણય સાથોસાથ કાયદો અમલમાં મુક્યો છે. જે સંદર્ભે સેલ્ફ ફાઈનાન્સ શાળાઓએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
પરંતુ સમગ્ર મામલો કોર્ટમાં હોવા છતા ભાવનગરની કહેવાતી કેટલીક જાણીતી સંસ્થાઓ ફી મામલે પીછેહઠ કરવાના મૂડમાં જરા પણ નથી. જિલ્લા શિક્ષણ તંત્રના આશિર્વાદથી તેઓની દુકાનો રાબેતા મુજબ શરૂ થઈ ચુકી છે. હાલ કેટલાક ફેરફારો ચોકકસ કર્યા છે. આધુનિક શિક્ષણ પાછળ હરખઘેલા વાલીઓ શિક્ષણ  માફીયાઓ સામે હાજી હજુરી માટે તત્પર બન્યા છે અને મો માગ્યા નાણા ધરી દેવા તળીયા ધસી રહ્યાં છે. ભવિષ્યમાં ફીને લઈને કોઈ કાયદાકિય મુશ્કેલીઓ-આફતો ન ઉતરી આવે તે માટે વિશ્વાસપાત્ર વાલીઓને શાળાના કર્મચારીઓના અલગ-અલગ બેંક એકાઉન્ટોના નંબર આપવામાં આવે છે અને એ ખાતાઓમાં નાણા જમા થયે વાલીઓ પાસે લખાણ અહીં કરાવી કાયદાની જોગવાઈ મુજબ એડમીશન આપવામાં આવે છે. જે ફીની રસીદોમાં સરકાર દ્વારા નિર્ધારીત રકમ લખવામાં આવે છે. ઉપરાંત ડોનેશનના બદલે એસી, પંખા, બેન્ચ સહિતની ડીમાન્ડ મુકવામાં આવી રહી હોવાની હકીકતો વાલીઓ પાસેથી જાણવા મળી રહી છે.

અમે કોઈને ઈજન દેવા નથી જતા..!
ભાવનગરના કાળીયાબીડ સ્થિત એક સંસ્થાના વહિવટદાર સાથે વર્તમાન સંજોગો અંગે વાતચીત કરતા જણાવ્યું કે, કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટ કરી સંસ્થાઓ શરૂ કરી છે. સરકાર ફી જેવા કાયદાઓ ઘડે ત્યારે અમારી સંસ્થા કઈ રીતે ચાલે આવા કાયદાઓને અનુસરીએ તો કર્મચારી-સ્ટાફને ક્યા ધર્મશાળામાં  મુકવા જઈશું ? આવા ફતવા સાથે અમારે કોઈ લેવા-દેવા નથી. સરકાર સરકારનું કામ કરે. શિક્ષણ જેવી બાબતોમાં હસ્તાક્ષેપન કરે એમાં જ ભેલાઈ છે. પૈસા લઈને સમાજના શ્રેષ્ઠ ઘડતરનું સર્જન કરીએ છીએ. એમાં ખોટુ શું છે ? અમે કોઈ વાલીને આગ્રહ કરવા નથી જતા કે તમારા સંતાનોને અમારી સંસ્થામાં ભણાવવા મોકલો નામ અને કામ જોઈને સામે ચાલીને આજીજી કરે છે. અમારા સંતાનોને સંસ્થામાં પ્રવેશ આપો. 

મિશનરી સ્કુલો સામે તંત્ર ‘મિયાની મિંદડી’..!
ભાવનગર સ્થિત શિક્ષણ હબમાં સૌથી વગ અને માથાભારે ગણાતી સંસ્થાઓમાં મિશનરી સ્કુલો મોખરે છે. દક્ષિણ ભારતના કેરલ પ્રાત સ્થિત ખ્રિસ્તી મિશનરી દ્વારા સંચાલીત આ સ્કુલો પૂર્વેથી જ બે લગામ છે. વાલી, વિદ્યાર્થીઓ સાથે યેન-કેન પ્રકારે ઘર્ષણ સહિતની વિવાદીત બાબતો માટે  પંકાયેલી આવી સ્કુલો સામે જિલ્લા શિક્ષણ તંત્ર બિચારૂ સાબિત થયું છે. બાળ માનસમાં ધર્માંતરણના બીજ રોપવા શિક્ષણના નામે અન્ય પ્રવૃત્તિઓ આચરવી સહિતની બાબતો અવારનવાર પ્રકાશમાં આવે છે પરંતુ કેવું અને ક્યાંથી ક્યાં પ્રકારનું પીઠબળ ધરાવતી આવી સ્કુલો આજદિન સુધી કોઈને મચક આપી નથી. આ વાસ્તવિક્તાથી લોકો વાકેફ છે છતાં મોહ શા માટે નથી છુટતો તેવા સવાલો લોકો કરે છે.