2064

તળાજા તાલુકાના દેવળીયા ગામે રહેતા ૬૦ થી ૭૦ જેટલા ગરીબ પરિવારો છેલ્લા રર વર્ષથી પ્રાથમિક સવલતોથી વંચીત હોય જેને લઈને સત્તાવાળ તંત્ર પાસેથી પાયાકિય સવલતોની માંગ કરી છે અને ૩૦ દિવસની અવધી આપી છે. જે ૩૦ દિવસમાં સેવા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો ભુખ હડતાલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે. તળાજા તાલુકાના દેવળીયા ગામે રહેતા શ્રમિક ધરમશીભાઈ મોલડીયા સહિત આશરે ૭૦ જેટલા પરિવારના લોકોએ જિલ્લા કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓને આવેદનપત્ર પાઠવી એવા પ્રકારે રજૂઆત કરી કે દેવળીયા ગામે આવેલ સરકારી ખરાબાવાળી પડતર જમીનોમાં ઝુપડા બાંધી તથા કેટલાક લોકો વાડી-ખેતરોમાં મજુરી કામ કરતા હોય જ્યાં હંગામી ધોરણે કાચા ઝુપડા બાંધી રખડતું ભટકતું જીવન ગુજરાન ચલાવે છે. આમ લોકો ગરીબી રેખાથી અત્યંત નીચા ધોરણે જીવન વ્યતિત કરતા હોવા છતા બીપીએલ કાર્ડથી આજે પણ વંચીત છીએ. અત્રે આવેલ વેલનાથનગરમાં આજથી રર વર્ષ પૂર્વે સરકારે પ્લોટ તથા મકાનની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આજદિન સુધી એકપણ પરિવારને પ્લોટ-મકાન ફાળવવામાં આવ્યા નથી. તદ્દઉપરાંત સમગ્ર વિસ્તાર શૌચાલય, આરસીસી રોડ, ડ્રેનેજ, પીવાના પાણી, સ્ટ્રીટલાઈટ જેવી પાયાની સુવિધાઓથી પણ વંચીત છે. પ્રાથમિક સુવિધાઓ મેળવવા અનેકવાર રજૂઆતો કરવા છતાં સુવિધા પ્રાપ્ત ન થતા આ આવેદન પાઠવી પ્રાથમિક સવલતની માંગ કરીએ છીએ અને જો ૩૦ દિવસમાં સુવિધા ઉપલબ્ધ ન થાય તો ભુખ હડતાલ પર ઉતરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.