3059

સરકાર દ્વારા લાગુ કરાયેલા જીએસટીના વિરોધમાં વિવિધ વેપારીઓ, એસોસીએશનો બાદ રાજ્યભરના સરકારી કામો કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા હડતાલ પાડવામાં આવી છે. જે સંદર્ભે આજે ભાવનગર જિલ્લા સરકારી કોન્ટ્રાક્ટર એસોસીએશનની સર્કીટ હાઉસ ખાતે બેઠક મળી હતી.
રોડ, બિલ્ડીંગ, બ્રિજ સહિત સરકારી કામો કરતા બાંધકામ કોન્ટ્રાક્ટરો જીએસટી દ્વારા ટેક્સનું ભારણ નાખવામાં આવતા ગુજરાત કોન્ટ્રાક્ટર એસો. દ્વારા ટેક્સનું ભારણ હળવું કરવામાં ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી છે. જેના અનુસંધાને રાજ્યભરની સાથોસાથ આજે ભાવનગર-બોટાદ જિલ્લા ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર એસો.ની આજે સર્કીટ હાઉસ ખાતે પ્રમુખ સંજયસિંહ સરવૈયાની ઉપસ્થિતિમાં મિટીંગ મળી હતી. જેમાં હાલના સમયમાં ચાલતા તમામ સરકારી કામો બંધ કરી હડતાલમાં જોડાવાનો નિર્ણય કરાયો હતો અને જ્યાં સુધી જીએસટીનો નિર્ણય ન થાય ત્યાં સુધી રોડ, બિલ્ડીંગ, બ્રિજ સહિત બાંધકામ કોન્ટ્રાક્ટરો દ્વારા બંધ રાખી હડતાલને સમર્થન આપ્યું હતું. આ મિટીંગમાં પ્રમુખ સંજયસિંહ સરવૈયા, પી.આર. પટેલ, લગ્ધીરસિંહ, ધર્મેશભાઈ પંડયા, ચિંતનભાઈ પટેલ, વરૂણભાઈ પટેલ સહિત મોટીસંખ્યામાં સરકારી કામો કરતી એજન્સીઓના હોદ્દેદારો, કોન્ટ્રાક્ટરો જોડાયા હતા.