3029

ગાંધીનગરમાં આજે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. છેલ્લા બે દિવસથી ધમાકેદાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતાં રસ્તા બદલીને ઘરે પહોંચવાનો વારો નાગરિકોને આવ્યો હતો. 
ગાંધીનગર જિલ્લામાં સમી સાંજે ઝરમર વરસાદ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. સવારથી જ આકાશમાં વાદળો ઓળઘોળ  થઇને વરસવાનો મુડ દર્શાવવા સાથે ઝાપટાવાળી તો કરતા જ રહ્યા હતાં, બાદ સાંજે વરસાદ જામ્યો હતો. જિલ્લાના કલોલમાં સૌથી વધુ, ત્યાર બાદ માણસા, ગાંધીનગર અને દહેગામમાં સૌથી ઓછો વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો હતો.
ગાંધીનગરમાં વરસાદ વરસતા નાગરિકોને બફારાથી મુક્તિ મળી હતી. શહેરભરમાં વરસાદી માહોલથી ઠંડક પ્રસરી હતી. તેમજ ઓફિસ છુટવાના સમયે વરસાદ પડતાં બસ રાહ જોતા અને ઘર તરફ જતાં કર્મચારીઓ અને નાગરિકો ભીંજાઇ ગયા હતાં. રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિક જામના દશ્યો સર્જાવા સાથે માર્ગો, પાર્કિંગ પ્લેસ અને ખુલ્લા મેદાન જાણે તલાવડામાં ફેરવાઇ ગયા હતાં. અપરએર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. ઉત્તર પ્રદેશ ઉપર લો પ્રેસર સિસ્ટમ સર્જાઇ છે. બન્ને સિસ્ટમની અસરના પગલે ગાંધીનગર સહિત રાજ્યમાં ભારે વરસાદ પડવાનું હવામાન વિભાગે અગાઉથી જણાવ્યું છે. ત્યારે  ગાંધીનગરમાં શુક્રવારે સાંજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જેથી શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. 
ગાંધીનગર જિલ્લાની વરસાદની સરેરાશ ૩૧ ઇંચની છે. તેની સામે શુક્રવારે સવાર સુધીમાં જ મોસમના વરસાદની ટકાવારી ૩૪ ટકા નજીક પહોંચી ગઇ હતી. મતલબ કે મોસમનો ૧૦ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો હતો. શુક્રવારે સવારે ૮ થી રાત્રે ૮  દરમિયાન વધુ ૨.૪૦ ઇંચ જેટલો સરેરાશ વરસાદ જિલ્લામાં નોંધાયો હતો. તેમાં કલોલમાં ૪ ઇંચ, માણસામાં ૧. ૬૩ ઇંચ, ગાંધીનગરમાં ૨.૫૦ ઇંચ અને દહેગામમાં ૧.૭૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ પણ મેઘ સવારી ચાલુ રહી હતી. કલોલમાં  વીજળીના થાંભલા પાસે ચારો ચરી રહેલી બે ગાયને જોરદાર કરંટ લાગતા બન્ને ગાયના અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા. બનાવને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે સત્તાવાળાઓને જાણ કરતા અધિકારીઓ પણ આવી પહોચ્યા હતા. તાત્કાલીક વિજ પુરવઠો બંધ કરી દઇ બન્ને ગાયને છુટી પાડવામાં આવી હતી. બનાવની ખબર નરેશભાઇ કાલડે જીઇબીને આપી હતી. લોકોએ જીઇબી તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. 
દહેગામ પંથકમાં ત્રણ દિવસથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે છાંટા ને બાદ કરતાં મેઘમહેર ધીમી પડી હતી. શુક્રવારે દિવસ દરમ્યાન આકાશમાં વાદળો છવાયા હતા અને છૂટો છવાયો ઝરમર વરસાદ પડ્યો હતો. બપોરે વરસાદે વિરામ લીધા બાદ સાંજે  વાતાવરણ બદલાયુ હતું અને વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદે અચાનક મોસમ પકડી લેતા શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આકાશમાંથી કાચું સોનુ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ બન્યા હતાં. દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામે ખેતરમાં છાપરૂ બનાવીને પરિવાર સાથે રહેલો બદાજી દોશલજી નામનો ૩૭ વર્ષનો યુવાન મેઘ મહેરના હરખમાં સાંજે ખેતરમાં કામ કરી રહ્યો હતો. દરમિયાન કડાકા સાથે વીજળી પડવાથી આ યુવાનનું સ્થળ પર જ મૃત્યુ થઇ ગયાનો બનાવ દહેગામ મામલતદાર કચેરી અને જિલ્લા કંટ્રોલરૂમ પર નોંધાયો છે.