2918

ગાંધીનગર શહેરને હાલ તો પીવાનું પાણી સરકાર એટલે કે, પાટનગર યોજના વિભાગ પૂરૂ પાડે છે. આવતા દિવસોમાં આ જવાબદારી મહાપાલિકા પર આવી શકે છે. પાટનગર યોજના પણ પાણીની જફામાંથી છૂટવા તલપાપડ છે. જો કે સરકાર દ્વારા આ મામલે કોઇ નિર્ણય લેવાતો નથી. ત્યારે વસાહતીઓને આવતા દિવસોમાં પાણીનો મીટર ચાર્જ ચૂકવવો પડે તો નવાઇ રહેશે નહીં. આ મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે પાણીનું વ્યવસ્થાપન મહાપાલિકાને સોંપાશે તો પાણીના મીટર મુકીને ૨૪ કલાક પાણી આપવાની યોજના પર કામ કરવામાં આવશે.
પાટનગરમાં માત્ર ખાનગી વસાહતોમાં રહેતા પરિવારો પાણીવેરો ભરે છે તેમ કહી શકાય તેવું છે. સરકારી આવાસોમાં પણ નર્મદાનું પાણી આપવામાં આવે છે. પરંતુ તેમાં રહેતા સરકારી અધિકારી-કર્મચારીઓ પાસેથી વસુલવામાં આવતાં મકાન ભાડામાં જ તદ્દન મામૂલી રકમનો પાણીવેરો પણ ગણી લેવામાં આવે છે. ખાનગી વસાહતીઓ પાસેથી આવાસ દીઠ રૂપિયા ૨૪૦ જેટલો ઓછામાં ઓછો પાણીવેરો વસૂલવામાં આવે છે. તેની વાર્ષિક આવક માંડ ૩ કરોડ જેટલી થાય છે.
સરકાર દ્વારા જો પાણી વ્યવસ્થાપન મહાપાલિકાને સોંપી દેવામાં આવે તો આ તંત્ર તેમાં પહોંચી વળે તેમ પણ નથી. પરંતુ મુખ્યમંત્રી દ્વારા અગાઉ મીટર મૂકીને ૨૪ કલાક પાણી આપવા આયોજન કરવા કહેવાઇ ચૂક્યું છે. ત્યારે શું કરવું તેની વિચારણા શરૂ થઇ છે. તેમાં એવો મત વ્યકત થયો છે કે, પાટનગરવાસીઓને રાજ્યમાં સૌથી વધુ માથાદીઠ ૨૫૩ લીટર પાણી રોજેરોજ આપવામાં આવે છે. ખરેખર આટલુ પાણી વ્યકિત દીઠ વપરાતુ હોતું નથી. પરંતુ અહીં પાણીનો વેડફાટ ઘણો વધુ થાય છે.
પાટનગર યોજના વિભાગ દ્વારા હાલમાં વર્ષે પાણી વ્યવસ્થાપન પાછળ ૨૧ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવે છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર ર્બોડ પાસેથી પાણી ખરીદવા પાછળ અને ત્યારબાદ વિતરણ કરવામાં તેનાથી વધુ ખર્ચ કરવામાં આવે છે. પરંતુ તેની સામે પાણીવેરા પેટે માત્ર ૩ કરોડની આસપાસ આવક થાય છે.પાટનગરમાં પાણીના મીટર મૂકવામાં આવશે તો માત્ર ખાનગી આવાસોમાં નહીં પરંતુ સરકારી આવાસોમાં પણ મીટર સ્વભાવિક રીતે લગાડવામાં આવશે. આમ પણ સૌથી વધુ પાણીનો વેડફાટ સરકારી આવાસોમાં થાય છે.